તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
દિલ્હીના રાજકારણમાં 'બેટમેન'ની અનોખી એન્ટ્રી: વિપક્ષી કૂચ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પહેરાવ્યું સુપરહીરોનું માસ્ક!
મુખ્ય ચૂંટણી કમિશનર સામેની વિરોધ કૂચમાં યુથ કોંગ્રેસના અનોખા પ્રદર્શનથી રાજકીય ગરમાવો: સુપ્રીમ કોર્ટમાં પીએલ દાખલ કરીને વિપક્ષી નેતાઓએ તેજ કરી કાનૂની લડાઈ

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રાજકારણમાં સોમવારે એક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 'ઇન્ડિયા' (INDIA) બ્લોક દ્વારા આયોજિત 'ચલો દિલ્હી' કૂચ દરમિયાન અચાનક લોકપ્રિય સુપરહીરો 'બેટમેન' (Batman) ની રાજકીય એન્ટ્રી થઈ હતી. દેખાવો દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનમાં બેટમેનનાં માસ્ક વહેંચવામાં આવ્યા હતા, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ કૂચ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો બેટમેન માસ્ક પહેરેલો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. એનએસયુઆઈ (NSUI) દ્વારા એક્સ (X) પર આ તસવીર શેર કરતા "બેટમેન મોડ: ચાલુ; જ્ઞાનેશ તો ગિયો" જેવું આક્રમક કેપ્શન આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન વચ્ચે એક હળવી ક્ષણ પણ જોવા મળી હતી જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને માસ્ક પહેરાવવામાં મદદ કરતા નજરે પડ્યા હતા, જેનો વીડિયો અને ફોટા ખૂબ વાયરલ થયા છે.
માર્ગ પરના વિરોધ પ્રદર્શનની સાથેસાથે વિપક્ષી ગઠબંધને હવે કાનૂની મોરચે પણ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વિપક્ષી નેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં અગિયાર અગ્રણી નેતાઓના નામ સામેલ છે. આ અરજદારોમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ટીએમસી નેતા સૌગત રોય, શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત અને એનસીપી નેતા સુપ્રિયા સુલે સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ છે.
આ ઉપરાંત સીપીઆઈ(એમ)ના નેતા એમ.એ. બેબી, ડી. રાજા, ઝારખંડ મુક્તિ મોરચાના મહુઆ માજી અને આઈયુએમએલના નેતા પણ આ કાનૂની લડાઈમાં જોડાયા છે. ચૂંટણી પંચ અને સરકાર સામે વિપક્ષ દ્વારા અપનાવવામાં આવેલા આ આક્રમક તથા અનોખા વિરોધ પ્રદર્શનથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ તીવ્ર બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
