<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

"બાટલા હાઉસ પર આંસુ વહાવ્યા, પણ દેશના વીર પાઇલટ માટે મૌન શા માટે?" : ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીનો કોંગ્રેસ પર સણસણતો પ્રહાર

ફ્લાય દુબઈ વિમાનના મુસાફરોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિતની શૌર્યતા પર સમગ્ર વિશ્વ અને પીએમ મોદીએ પ્રશંસા કરી : રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ 'વોટ બેંકની રાજનીતિ'ના કારણે ચુપકીદી સાધી હોવાનો દાવો

 નવી દિલ્હી :  દિલ્હીના રાજકીય ગલિયારામાં ગરમાવો લાવતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રવિવારે કોંગ્રેસ નેતૃત્વ સામે તીખો મોરચો ખોલ્યો હતો. ફ્લાય દુબઈ ફ્લાઇટમાં પોતાની અદમ્ય હિંમત અને સૂઝબૂઝથી સેંકડો મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત માછરના મુદ્દે કોંગ્રેસ પાર્ટીની ચુપકીદી સામે ત્રિવેદીએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી પાર્ટી દેશના વાસ્તવિક નાયકોના સન્માન અને રાષ્ટ્રીય હિત કરતાં પોતાની "વોટ બેંકની સસ્તા રાજકારણ"ને વધુ પ્રાથમિકતા આપી રહી છે.

ત્રિવેદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કેપ્ટન સ્મિત માછરના આ સાહસિક કારનામા પર આજે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોન પર વાત કરીને વીર પાઇલટને અભિનંદન પાઠવ્યા છે, જ્યારે ઇઝરાયલ અને અમેરિકાના રાષ્ટ્રપતિઓ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કેપ્ટન માછરની પ્રશંસા થઈ રહી છે. સામે પક્ષે, વિમાનમાં જોખમ ઊભું કરનાર ઓમાની પાઇલટ હમામ અલ-હમ્મામીના અલ-કાયદા સાથેના જોડાણના અહેવાલો બહાર આવ્યા હોવા છતાં, સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી તરફથી કેપ્ટન સ્મિતના સમર્થનમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ, નિવેદન કે સહાનુભૂતિનો એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી.

કોંગ્રેસ નેતૃત્વના ભૂતકાળના વલણ પર સીધો હુમલો કરતા ભાજપ નેતાએ કટાક્ષ કર્યો હતો કે, "જે નેતાઓએ બાટલા હાઉસ એન્કાઉન્ટરના આતંકવાદીઓ માટે આંસુ વહાવ્યા હતા, તેઓ આજે ભારત માતાનું ગૌરવ વધારનારા દેશના બેટા કેપ્ટન સ્મિત માટે મૌન ધારણ કરીને બેઠા છે." તેમણે ઉમેર્યું હતું કે ગાઝા, ઝાકિર નાઈક, અફઝલ ગુરુ કે બુરહાન વાની જેવા વિષયો પર તાત્કાલિક નિવેદનો આપનારા રાહુલ ગાંધી પોતાના વોટ બેંકના ડરથી આ વીરતાના મુદ્દે મૌન છે. આ સાથે જ તેમણે ઉત્તર પ્રદેશમાં ઇમરાન મસૂદની નિમણૂક પર પણ પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે દેશની જનતા કોંગ્રેસના આ બેવડા વલણનો યોગ્ય જવાબ આપશે.

(6:23 PM IST)