<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

પેટ્રોલ-ડીઝલની તંગી સામે BAPS સંસ્થાનું લોકકલ્યાણકારી પગલું: રવિ સભાઓ હવે ઓનલાઇન થશે, 11 પ્રકારના કરકસરના નિયમો જાહેર!

વૈશ્વિક ઈંધણ સંકટ વચ્ચે BAPS સ્વામિનારાયણ સંસ્થાનો પ્રેરણાદાયી નિર્ણય: મહિનામાં ચારને બદલે માત્ર બે જ રવિ સભાઓ મંદિરે ભરાશે, સાદગી પર ભાર મૂકતી માર્ગદર્શિકા પ્રસિદ્ધ.

બોચાસણ : સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈંધણની તંગીના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. પૂજ્ય સ્વામીની આજ્ઞા અનુસાર, સંસ્થાએ પેટ્રોલ-ડીઝલની બચત કરવા અને જનસહયોગ આપવા માટે 11 જેટલા કરકસરના પગલાંની જાહેરાત કરી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સાદગી અપનાવીને ઇંધણ અને સંસાધનોનો બચાવ કરવાનો છે.
સંસ્થા દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, હવે મોટા શહેરોમાં શિખરબદ્ધ મંદિરોમાં દર મહિને યોજાતી ચાર રવિ સભાઓમાંથી બે સભાઓ માત્ર ઓનલાઇન યોજાશે, જ્યારે બાકીની બે સભાઓ જ મંદિરે રૂબરૂ ભરાશે. નાના શહેરો અને ગામડાઓમાં રવિ સભાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ સાદગી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. મંદિરોમાં યોજાતા ઉત્સવો, પાટોત્સવો અને અન્ય સત્સંગલક્ષી આયોજનોમાં હવે ભોજનના બદલે ખીચડી કે સાદું ભોજન જ મહાપ્રસાદ તરીકે પીરસવામાં આવશે. આ સાથે જ હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે મોટા ઉત્સવો અને પાટોત્સવમાં માત્ર તે જે તે વિસ્તારના સ્થાનિક ભક્તો જ હાજરી આપે, જેથી મુસાફરીમાં ઘટાડો કરી શકાય.
સંસ્થાએ માત્ર સામાજિક સ્તરે જ નહીં, પરંતુ વ્યક્તિગત સ્તરે પણ હરિભક્તો માટે સૂચનાઓ આપી છે. પેટ્રોલ-ડીઝલની બચત માટે બિનજરૂરી પ્રવાસ કે યાત્રા ટાળવા, કાર શેરિંગ દ્વારા વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા અને મુસાફરીમાં વાહનની ક્ષમતા મુજબ મુસાફરોને બેસાડવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, ઘરોમાં વીજળી અને પાણીનો વ્યય અટકાવવા, જરૂરી હોય તેટલા જ લાઇટ-પંખાનો ઉપયોગ કરવા અને ખોરાકમાં વિવિધ પ્રકારના ફરસાણ કે મીઠાઈ બનાવવાને બદલે સાદું અને પૌષ્ટિક ભોજન લેવા માટે સૂચના આપવામાં આવી છે.
આ આયોજનોમાં મહિલા મંડળ, યુવક-યુવતી મંડળ અને બાળ મંડળો દ્વારા હાથ ધરવામાં આવતી યાત્રા-પ્રવાસની પ્રવૃત્તિઓ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. BAPS સંસ્થાના આ 11 નિયમો માત્ર ઈંધણ બચાવવા માટે જ નહીં, પરંતુ સાદગી અને આધ્યાત્મિક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે. સંસ્થાના આ નિર્ણયને હરિભક્તોએ આવકારીને તેનું પાલન કરવાનો સંકલ્પ કર્યો છે, જે સમગ્ર સમાજ માટે એક સકારાત્મક સંદેશ છે.

(9:59 PM IST)