તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
ગામડાં સુધી બેંકિંગ ક્રાંતિ: આંધ્રપ્રદેશમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને CM ચંદ્રબાબુ નાયડુના હસ્તે ₹૩,૨૧૬ કરોડની લોનનું રેકોર્ડબ્રેક વિતરણ; ૧ લાખથી વધુ પરિવારોને સીધો લાભ!
કોલેટરલ વગરની લોન આપીને ગરીબોને ખાનગી શાહુકારોના શોષણમાંથી મુક્ત કરવાનો કેન્દ્રનો દ્રઢ સંકલ્પ; કૃષિ માટે ₹૨,૩૬૩ કરોડ અને MSME માટે ₹૩૨૫ કરોડ ફાળવાયા

નરસારાવપેટ (આંધ્રપ્રદેશ) : દેશના પ્રત્યેક નાગરિક અને છેવાડાના ગામડા સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડીને આર્થિક રીતે સક્ષમ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લાના નરસારાવપેટ ખાતે આયોજિત એક વિશાળ 'ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ' માં હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ગરિમામય ઉપસ્થિતિમાં, વિવિધ સરકારી યોજનાઓ હેઠળ એક જ દિવસમાં ૧,૦૩,૨૪૬ જેટલા રેકોર્ડબ્રેક લાભાર્થીઓને કુલ રૂપિયા ૩,૨૧૬ કરોડની લોન સહાયનું સીધું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિશાળ સભાને સંબોધતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકમાત્ર વિઝન દેશના દરેક ગામ અને દરેક પાત્ર નાગરિક સુધી ઔપચારિક બેંકિંગ વ્યવસ્થા પહોંચાડવાનું છે.
ખેતીથી લઈને સોલાર એનર્જી સુધી લોનનું ભવ્ય પેકેજ
આ કાર્યક્રમ અંતર્ગત વહેંચવામાં આવેલી રૂપિયા ૩,૨૧૬ કરોડની લોન સહાયમાં સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે:
· કૃષિ ક્ષેત્ર: ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે સૌથી મોટો હિસ્સો એટલે કે રૂપિયા ૨,૩૬૩ કરોડ માત્ર કૃષિ લોન માટે ફાળવાયો છે.
· MSME ક્ષેત્ર: નાના ઉદ્યોગસાહસિકોના વિકાસ માટે રૂપિયા ૩૨૫ કરોડની લોન મંજૂર કરાઈ છે.
· અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રો: આવાસ, શિક્ષણ, વાહન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે 'સૌર ઉર્જા લોન' (Solar Energy Loans) પેકેજ હેઠળ રૂપિયા ૬૨૪ કરોડનું વિતરણ કરાયું છે.
નાણામંત્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૪ થી સરકાર દેશના ખેડૂતો, ખેતમજૂરો, હાથવણાટ કામદારો અને નાના વેપારીઓને બેંકો સાથે જોડવા માટે સતત પ્રયત્નશીલ છે. ભૂતકાળની યુપીએ (UPA) સરકારના શાસનકાળથી વારસામાં મળેલી બેંકોની એનપીએ (NPA - બિન-કાર્યક્ષમ સંપત્તિ) ની ગંભીર સમસ્યાને સુધારીને વર્તમાન સરકારે પહેલા બેંકિંગ સેક્ટરને લોખંડી બનાવ્યું અને ત્યારબાદ જનતા સુધી સીધી સેવાઓ પહોંચાડી છે.
શાહુકારોના ચુંગાલમાંથી ગરીબોને મુક્તિ: ક્રેડિટ ગેરંટી સ્કીમ
કેન્દ્રીય નાણામંત્રીએ ગરીબો અને મધ્યમ વર્ગની પીડાને વાચા આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખાસ બેંકો માટે ગેરંટી યોજનાઓ શરૂ કરી છે, જેથી નાના ખેડૂતો, માછીમારો, શેરી વિક્રેતાઓ (ફેરીયાઓ) અને સ્વરોજગાર ધરાવતા લોકોને કોઈપણ ગેરંટી (કોલેટરલ-મુક્ત) વગર સરળતાથી લોન મળી શકે. આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ લોનધારકોને ખાનગી શાહુકારોના અતિશય વ્યાજદર અને આર્થિક શોષણના ચુંગાલમાંથી કાયમ માટે બચાવવાનો છે. હવે બેંકોનો અભિગમ પણ બદલાયો છે; લોકો બેંકમાં આવે તેની રાહ જોવાને બદલે બેંક કર્મચારીઓ પોતે ગામડાઓમાં જઈને પાત્ર નાગરિકોને શોધીને લોન આપી રહ્યા છે. તેમણે નાગરિકોને આ નાણાંનો સદુપયોગ કરીને વર્ષ ૨૦ home સુધીમાં 'વિકસિત ભારત' ના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.
૨૦૪૭ સુધીમાં સમૃદ્ધ અને સુખી સમાજનું લક્ષ્ય: CM નાયડુ
આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્ર સરકારના અવિરત સહયોગની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ સ્વ-સહાય જૂથો (SHGs), ખેડૂતો, નાના ઉદ્યોગપતિઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને સમયસર સસ્તું ધિરાણ પૂરું પાડીને તેમના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન લાવશે. આંધ્રપ્રદેશ સરકાર પણ કેન્દ્રના કદમથી કદમ મિલાવીને વર્ષ ૨૦૪૭ સુધીમાં એક અત્યંત સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી સમાજ બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
