<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

બેન્કિંગ મજબૂત, પણ ખતરો અજાણ્યા મોરચેથી! RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આર્થિક સુનામી સામે આપ્યું મોટું એલર્ટ

દિલ્હીમાં યોજાયેલા કૌટિલ્ય આર્થિક સંમેલનમાં આરબીઆઇના ગવર્નરે દેશના આર્થિક ભવિષ્ય અંગે કર્યો ચોંકાવનારો દાવો : સાયબર એટેક, ટેકનિકલ ખામીઓ અને ભૂ-રાજકીય તણાવથી સમગ્ર નાણાકીય સિસ્ટમ ખોરવાઈ જવાની ભયાનક ચેતવણી આપી

ભારતીય બેન્કિંગ ક્ષેત્ર હાલમાં સૌથી સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ જ શાંતિ પાછળ મોટું આર્થિક તોફાન છુપાયેલું હોઈ શકે છે. નવી દિલ્હી ખાતે આયોજિત 'કૌટિલ્ય આર્થિક સંમેલન'માં બોલતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના અર્થતંત્ર સામે આવનારા અણધાર્યા જોખમો અંગે ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે જ આપણું ધ્યાન બહારના મોટા ખતરાઓ પરથી હટી જાય છે. કટોકટીમાંથી બહાર આવતા વર્ષો વિતી જાય છે, પરંતુ આર્થિક દબાણ આંખના પલકારામાં આખી સિસ્ટમ ધ્વસ્ત કરી શકે છે.

RBI ગવર્નરના જણાવ્યા મુજબ, આગામી મોટો આર્થિક આંચકો માત્ર બેંકોના આંતરિક વહીવટમાંથી જ આવે તે જરૂરી નથી, પરંતુ તે બહારના અણધાર્યા મોરચેથી પણ આવી શકે છે. વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ, ઘાતક સાયબર હુમલાઓ અથવા ડિજિટલ નેટવર્કમાં મોટો ટેકનિકલ આઉટેજ આખી નાણાકીય સિસ્ટમને ક્ષણભરમાં ઠપ્પ કરી શકે છે. આથી હવે માત્ર બેંકોની સુરક્ષા પૂરતી નથી, પરંતુ NBFCs, ચુકવણી પ્રણાલીઓ (Payment Systems) અને સમગ્ર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરડી નજર રાખવી અનિવાર્ય બની ગઈ છે. આ સિવાય તેમણે ક્રિપ્ટોકરન્સી સામે RBI ના સાવધ વલણનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા માટે ક્રિપ્ટો અત્યંત જોખમી છે, જોકે બ્લોકચેન અને AI જેવી સુધારાવાદી ટેકનોલોજીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો અને વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પણ ભારતનું નાણાકીય તંત્ર મજબૂત પાયા પર ઊભું છે. સરકારે ઇંધણના કટોકટી ભંડાર વધારીને, વિવિધ દેશોમાંથી આયાત સુનિશ્ચિત કરીને અને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપીને આંચકારો સામે રક્ષણ મેળવ્યું છે. ભારતીય બેંકો પાસે પૂરતી મૂડી (CET1 રેશિયો) છે અને શેરબજારમાં તાજેતરના ઘટાડા સામાન્ય બજાર પ્રક્રિયા છે. જો વિકસિત દેશોમાં AI સંબંધિત શેરોમાં ઘટાડો થશે, તો વિદેશી રોકાણકારો ભારતીય બજાર તરફ વળી શકે છે. નાણાકીય સિસ્ટમ મજબૂત હોવા છતાં, અણધાર્યા આંચકાઓ સામે સતત સાવચેતી જ આર્થિક સ્થિરતાની ચાવી રહેશે.

(11:04 PM IST)