<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

બેંક ઓફ બરોડાના નફામાં 72% નો મોટો કડાકો: UAE ના NMC હેલ્થ કૌભાંડે ધ્રુજાવી સરકારી બેંક, ₹5,700 કરોડના સમાધાને ખેલ બગાડ્યો

Q1 પરિણામોમાં બેંક ઓફ બરોડાનો ચોખ્ખો નફો ₹4,541 કરોડથી ઘટીને ₹1,278 કરોડે પહોંચ્યો; વિદેશી હોસ્પિટલ ગ્રુપ સાથેના કોર્ટ બહારના સમાધાનથી બેલેન્સ શીટ પર મોટું દબાણ

મુંબઈ :  જાહેર ક્ષેત્રની અગ્રણી 'બેંક ઓફ બરોડા'  ના ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ક્વાર્ટર ના નાણાકીય પરિણામોએ રોકાણકારો અને નાણાકીય બજારને ચોંકાવી દીધા છે. એક તરફ જ્યાં દેશની મોટાભાગની બેંકો અબજો રૂપિયાનો નફો રળી રહી છે, ત્યાં બીજી તરફ બેંક ઓફ બરોડાનો ચોખ્ખો નફો 72% ની અસાધારણ ગતિએ ગગડીને ₹1,278 કરોડ પર આવી ગયો છે. ગયા વર્ષે આ જ જૂન ક્વાર્ટરમાં બેંકે ₹4,541 કરોડનો જંગી નફો નોંધાવ્યો હતો. આ તીવ્ર ઘટાડા પાછળ યુનાઇટેડ અરબ અમીરાત ના બહુચર્ચિત NMC હેલ્થ કૌભાંડ સાથે જોડાયેલું કોર્ટ બહારનું મોટું સમાધાન મુખ્ય કારણ બન્યું છે.

જોકે, આ ભયાનક આંચકા છતાં બેંકના મુખ્ય પરિચાલન વ્યવસાયમાં મજબૂતી જોવા મળી છે. બેંકની ચોખ્ખી વ્યાજ આવક 9.5 ટકા વધીને ₹12,524 કરોડ થઈ છે, જ્યારે ગ્રોસ અને નેટ એસેટ ક્વોલિટી માં પણ નોંધપાત્ર સુધારો નોંધાયો છે. બેંકનું ચોખ્ખું NPA ઘટીને 0.5% થયું છે અને કુલ ધિરાણ 17.4% વધીને ₹14.16 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ આંકડા દર્શાવે છે કે દેશી બેંકિંગ કામગીરી અત્યંત સ્વસ્થ છે, પરંતુ વિદેશી લોન રિકવરીના કારણે થયેલા વન-ટાઇમ પ્રોવિઝન કે એડજસ્ટમેન્ટે નફા પર સીધો ઘા કર્યો છે.

આ વિવાદ પાછળ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ યુએઈની વિશાળ ખાનગી હોસ્પિટલ શ્રૃંખલા 'NMC હેલ્થ' નું બહુચર્ચિત કૌભાંડ જવાબદાર છે. વર્ષ 2020 માં સામે આવ્યું હતું કે કંપનીએ અબજો ડોલરનું દેવું છુપાવ્યું હતું, જેનાથી તે નાદાર થઈ ગઈ હતી. આ હોસ્પિટલ ગ્રુપને બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવેલી મોટી ધિરાણ ફસાઈ જતાં, લાંબી અને ખર્ચાળ કાનૂની લડાઈ લડવાને બદલે બેંકે ₹5,700 કરોડનું વન-ટાઇમ ક્રોસ-બોર્ડર કોર્ટ બહાર સમાધાન કરવાનું સ્વીકાર્યું હતું. આ એકમય નિર્ણયને કારણે બેંકને તાત્કાલિક ધોરણે મોટા નાણાકીય નુકસાનની ભરપાઈ કરવી પડી છે, જેનાથી ક્વાર્ટરલી પ્રોફિટ પર ભારે દબાણ સર્જાયું છે.

(7:52 PM IST)