News of Wednesday, 6th May 2026
પશ્ચિમ બંગાળમાં રાજકીય પરિવર્તન બાદ બાંગ્લાદેશનું વલણ આક્રમકઃ તીસ્તા પ્રોજેક્ટ માટે ચીન સાથે ભાગીદારીની તૈયારી
બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ હવે તીસ્તા જળ કરાર માટે વધુ સમય સુધી રાહ નહીં જુએ.

દક્ષિણ એશિયાના રાજકીય પરિસ્થિતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તીસ્તા નદીના જળ વહેંચણી મુદ્દે બાંગ્લાદેશે હવે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે અને ભારતની રાહ જોવાને બદલે ચીન સાથે આગળ વધવાની તૈયારી દર્શાવી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને તાજેતરમાં સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ હવે તીસ્તા જળ કરાર માટે વધુ સમય સુધી રાહ નહીં જુએ. તેમણે જણાવ્યું કે તીસ્તા નદી પ્રોજેક્ટ બાંગ્લાદેશ માટે અત્યંત મહત્વનો છે અને આ માટે તેઓ ચીન સાથે સહકાર વધારવા તૈયાર છે.
રહેમાન ટૂંક સમયમાં ચીનની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે બેઠક કરશે. આ બેઠકમાં તીસ્તા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. બાંગ્લાદેશ આ પ્રોજેક્ટ માટે ચીન પાસેથી ઓછા વ્યાજે લોન અને મોટા રોકાણની અપેક્ષા રાખે છે.
આ ઘટનાક્રમ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલા રાજકીય પરિવર્તન બાદ આવ્યો છે. જ્યારે રહેમાનને પૂછવામાં આવ્યું કે શું બંગાળમાં નવી સરકારના કારણે કોઈ ફેરફાર આવશે, ત્યારે તેમણે કહ્યું કે બાંગ્લાદેશ હવે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે અને વધુ રાહ નહીં જુએ
તીસ્તા નદીનો વિવાદ લાંબા સમયથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અટવાયેલો છે. બંને દેશો વચ્ચે 54 નદીઓ વહે છે, જેમાંથી માત્ર ગંગા અને કુશિયારા નદી પર જ સત્તાવાર કરાર થઈ શક્યો છે. તીસ્તા નદીના પાણીના વહેંચણી માટે 1983માં એક આંતરિક સમજૂતી થઈ હતી, પરંતુ તે સંપૂર્ણ રીતે અમલમાં આવી શકી નહોતી.
પછી 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને 2015માં વડાપ્રધાન મોદીના સમયમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી,પરંતુ પશ્ચિમ બંગાળ સરકારના વિરોધને કારણે આ કરાર અટકી ગયો હતો.હવે બાંગ્લાદેશનો ચીન તરફનો ઝુકાવ દક્ષિણ એશિયામાં નવા રાજકીય અને વ્યૂહાત્મક સમીકરણો ઊભા કરી શકે છે. આ પરિસ્થિતિ ભારત માટે પણ કૂટનીતિક રીતે મહત્વપૂર્ણ બની રહી છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
