<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ભારતીય નૌકાદળની અતિસંવેદનશીલ એઝિમાલા એકેડેમીમાં બોગસ દસ્તાવેજોના આધારે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ: સુરક્ષા તંત્રમાં ભારે ખળભળાટ

​પશ્ચિમ બંગાળના નકલી આધારકાર્ડ અને બનાવટી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટના જોરે એક વર્ષથી લોન્ડ્રી વિભાગમાં કોન્ટ્રાક્ટ વર્કર તરીકે સક્રિય ૩૨ વર્ષીય બિપ્લબ સોરેનની શંકાસ્પદ હિલચાલ બાદ મોબાઈલ ચેકિંગમાં બાંગ્લાદેશી ઓળખ છતી થઈ; ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ

​તિરુવનંતપુરમ / કન્નૂર:દક્ષિણ ભારતના કેરળ રાજ્યના કન્નૂર જિલ્લામાં આવેલી દેશની અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ એઝિમાલા ઈન્ડિયન નેવલ એકેડેમી (INA) સંકુલમાંથી એક વિદેશી નાગરિક ગેરકાયદેસર રીતે વસવાટ કરતો ઝડપાઈ આવતાં સમગ્ર સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ભારતીય નાગરિક હોવાના નકલી આઈડી પ્રોફ અને બનાવટી કાગળો રજૂ કરીને છેલ્લા આશરે એક વર્ષથી નેવલ એકેડેમીના લોન્ડ્રી વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે નોકરી કરી રહેલા બાંગ્લાદેશી યુવકને નૌકાદળના અધિકારીઓએ ઝડપી પાડીને સ્થાનિક પોલીસને સોંપી દીધો છે.

​મળતી વિગતો મુજબ, પકડાયેલા આરોપીની ઓળખ ૩૨ વર્ષીય બિપ્લબ સોરેન તરીકે થઈ છે. તે મૂળ બાંગ્લાદેશનો નિવાસી છે પરંતુ તેણે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના નબગ્રામ વિસ્તારનો રહેવાસી હોવાના બોગસ આધારકાર્ડ અને સ્થાનિક પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ (PCC) રજૂ કરીને નેવલ એકેડેમીમાં પ્રવેશ મેળવી લીધો હતો. દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વ ધરાવતા સૈન્ય પ્રતિષ્ઠાનની અંદર કોઈ પણ વિઝા કે માન્ય પ્રવાસ દસ્તાવેજો વગર વિદેશી નાગરિક આટલા લાંબા સમય સુધી કામ કરતો રહ્યો તે ઘટના સામે આવતાં અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

​ઘટનાક્રમ મુજબ, છેલ્લા કેટલાક સમયથી નેવલ એકેડેમીના સ્થાનિક સિક્યોરિટી અને નેવલ અધિકારીઓને બિપ્લબ સોરેનની શંકાસ્પદ વર્તણૂક અને હિલચાલ પર આશંકા જાગી હતી. જેથી તેના પર છૂપી રીતે સતત નજર રાખવામાં આવી રહી હતી. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ગુપ્ત ઇનપુટ્સ અને શંકાના આધારે અધિકારીઓએ તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેના મોબાઈલ ફોનની વિગતો ચકાસતાં તેમાંથી તેની મૂળ બાંગ્લાદેશી નાગરિકતા દર્શાવતા અસલ કાગળો, ફોટોગ્રાફ્સ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો મળી આવી હતી.

​નેવી સત્તાવાળાઓ દ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ શુક્રવારે રાત્રે આશરે સવા આઠ વાગ્યાના સુમારે તેને કન્નૂર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. તપાસકર્તા અધિકારીઓ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે કે આ બાંગ્લાદેશી યુવકે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કઈ રીતે મેળવ્યો, તેને પશ્ચિમ બંગાળના સરનામા વાળા આધારકાર્ડ અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવામાં કોણે મદદ કરી હતી અને સૈન્ય સંકુલની અંદર નોકરી મેળવવામાં તેનો વચેટિયો કોણ હતો. આ ઉપરાંત તેણે નેવલ એકેડેમીની અંદરથી કોઈ સંવેદનશીલ કે ગુપ્ત માહિતી સરહદ પાર મોકલી છે કે કેમ તે અંગે પણ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

​ઉલ્લેખનીય છે કે, કન્નૂર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે વસવાટ કરતા બોગસ દસ્તાવેજ ધરાવતા બાંગ્લાદેશી નાગરિકો સામે સ્થાનિક પોલીસે અભિયાન ચલાવ્યું છે. થોડા દિવસો પહેલાં જ કન્નૂર રેલવે સ્ટેશન નજીકના સ્પામાંથી સેલિના અખ્તર નામની બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને તેના ફોનમાંથી મળેલા સુરાગના આધારે અન્ય ચાર બાંગ્લાદેશી મહિલાઓને નકલી આધારકાર્ડ સાથે ઝડપી પાડવામાં આવી હતી. તેવામાં હવે સીધા નેવલ એકેડેમીમાંથી જ બોગસ આઈડી ધરાવતો બાંગ્લાદેશી નાગરિક પકડાતાં સમગ્ર દેશના સુરક્ષા વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.

(5:48 PM IST)