News of Saturday, 18th July 2026
બાંગ્લાદેશ: ગાયબાંધામાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણ સામે તંત્રનું ષડયંત્ર? હિન્દુ નેતાની ધરપકડ બાદ ઢાકામાં આક્રોશિત દેખાવો
અલ્પસંખ્યક સમુદાયના નેતા હરિદાસ ચંદ્ર તારણી દાસની મની લોન્ડરિંગના બહાને ધરપકડ કરાતા ભડક્યા હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના નેતાઓ; પ્રોજેક્ટને અટકાવવા માટે જ જાણીજોઈને કેસ કરાયાનો ગંભીર આક્ષેપ

ઢાકા: બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયના લોકોની સુરક્ષા અને તેમના અધિકારોને લઈને ફરી એકવાર માહોલ ગરમાયો છે. ગાયબાંધા જિલ્લાના પલાશબાડી વિસ્તારમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણના પ્રસ્તાવિત પ્રોજેક્ટને નિશાન બનાવીને હિન્દુ નેતા હરિદાસ ચંદ્ર તારણી દાસની કરાયેલી ધરપકડને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ધરપકડના વિરોધમાં ઢાકાના નેશનલ પ્રેસ ક્લબની બહાર અલ્પસંખ્યક સમુદાયના અગ્રણીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિરોધ પ્રદર્શનનું આયોજન બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. પરિષદના મહાસચિવ મનિન્દ્ર કુમાર નાથે આ ધરપકડને પાયાવિહોણી ગણાવી છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, તંત્ર દ્વારા હરિદાસ ચંદ્ર તારણી દાસ પર જે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, તે માત્ર એક ષડયંત્રનો ભાગ છે. મુખ્ય હેતુ પલાશબાડીમાં ભગવાન રામની વિશાળ પ્રતિમાના નિર્માણને રોકવાનો અને અલ્પસંખ્યકોના મનોબળને તોડવાનો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ નેતા સુબ્રત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ધરપકડ પાછળના ઈરાદાઓ શંકાસ્પદ છે. તેમણે તંત્રને ચીમકી આપતા કહ્યું કે જો સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરે અને નિર્દોષ નેતાને મુક્ત નહીં કરે, તો બાંગ્લાદેશમાં એક વ્યાપક અને મોટું આંદોલન છેડવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશમાં ભાઈચારાનું વાતાવરણ જાળવવાને બદલે અમુક તત્વો જાણીજોઈને અલ્પસંખ્યકોને નિશાન બનાવી રહ્યા છે, જે અસ્વીકાર્ય છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરુદ્ધની હિંસક ઘટનાઓમાં વધારો થયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરિષદના અહેવાલ મુજબ, ગત વર્ષે દેશભરમાં અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ 3,000 થી વધુ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 66 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ધરપકડને પણ અલ્પસંખ્યકોને ડરાવવાના એક ભાગ રૂપે જોવામાં આવી રહી છે. હાલમાં, આ મામલે સરકાર અને વહીવટી તંત્ર પર દબાણ વધી રહ્યું છે, જ્યારે અલ્પસંખ્યક સમુદાયના નેતાઓ ન્યાયની આશા સાથે લડત ચાલુ રાખવા માટે મક્કમ જણાઈ રહ્યા છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
