<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

સોમનાથ મંદિર પરિસરની આસપાસ નોન-વેજ વેચાણ પરનો પ્રતિબંધ રહેશે યથાવત: સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના સ્ટે સામે હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર

વેપારીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે બે મહિનામાં મામલો નિકાલ કરવા આપ્યા નિર્દેશ, ગીર સોમનાથના મામલતદાર દ્વારા સહી કરાવવાના મામલે પણ ઉઠ્યા હતા સવાલો

નવી દિલ્હી : ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં માંસાહારી (નોન-વેજ) ખાદ્યપદાર્થોના વેચાણ પરનો પ્રતિબંધ હાલ પૂરતો યથાવત રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે અને હાઇકોર્ટની ડબલ બેન્ચ સમક્ષની અપીલનો બે મહિનામાં ઝડપી નિકાલ કરવા આદેશ આપ્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સોમનાથ મંદિરની આસપાસ નોન-વેજ રેસ્ટોરન્ટ અને દુકાનો ચલાવતા છ વેપારીઓએ રાજ્ય સરકારના તે જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યું હતું જેમાં મંદિરની આસપાસના વિસ્તારમાં નોન-વેજનું વેચાણ અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 

અગાઉ હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચે ૧૦ ઓગસ્ટના આ જાહેરનામાને રદ્દ કરી દીધું હતું, પરંતુ રાજ્ય સરકારે એક્ટિંગ ચીફ જસ્ટિસની ડબલ બેન્ચ સમક્ષ અપીલ કરતા સિંગલ જજના હુકમ સામે સ્ટે આપવામાં આવ્યો હતો, જેની સામે વેપારીઓ સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યા હતા.

 

સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ નવો હુકમ કે સ્ટે આપવાનો ઇનકાર કરતા સ્પષ્ટ કર્યું છે કે હાઇકોર્ટમાં ચાલી રહેલી અપીલની સુનાવણી આગામી બે મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે, જેના કારણે હાઇકોર્ટનો અગાઉનો સ્ટે યથાવત રહેશે અને પ્રતિબંધ પણ ચાલુ રહેશે.

 

સુનાવણી દરમિયાન અરજદારોના વકીલો તરફથી એવો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ હતો ત્યારે ગીર સોમનાથના મામલતદારે પોલીસ ચોકીમાં બોલાવીને છ વેપારીઓ પાસે નોન-વેજ નહીં વેચવાના કબૂલાતનામા પર જબરદસ્તી સહીઓ કરાવી હતી, જેને લઈને અગાઉ અદાલતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

(6:11 PM IST)