News of Thursday, 3rd September 2026
સરકારી શાળાઓમાં મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત: સુપ્રીમ કોર્ટે 'સ્કૂલ ઠીક કરો' અભિયાન સંબંધિત અરજી ફગાવી!
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકારના આદેશને પડકારતી અરજી પર સુનાવણીનો ઈનકાર: પરવાનગી વગર ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને ઈન્ટરવ્યૂ પર રોક

નવી દિલ્હી | તા.૦૩: ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારી શાળાઓમાં બહારના લોકો, પત્રકારો, યુટ્યુબર્સ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓના પ્રવેશ તેમજ વીડિયોગ્રાફી પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ નિર્ણય સાથે જ બંને રાજ્યો દ્વારા અમલી બનાવાયેલી પૂર્વ-મંજૂરીની પ્રક્રિયા હાલ પૂરતી યથાવત રહેશે.
મામલાની વિગત મુજબ, કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે દ્વારા સમર્થિત 'સ્કૂલ ઠીક કરો' અભિયાન હેઠળ દેશના વિવિધ રાજ્યોમાંથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સરકારી શાળાઓમાં જઈને ત્યાંની ખામીઓનું દસ્તાવેજીકરણ કરી રહ્યા હતા. જોકે, લખનઊની એક શાળામાં પરવાનગી વગર ઘૂસીને શિક્ષિકાઓ પર દબાણ લાવવા જેવી ઘટનાઓ સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો. જેને પગલે રાજસ્થાન સરકારે ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ અને ઉત્તર પ્રદેશ સરકારે ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પરિપત્ર બહાર પાડીને પૂર્વ પરવાનગી વિના શાળા પરિસરમાં પ્રવેશ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઈન્ટરવ્યૂ અને લાઈવ સ્ટ્રીમિંગ પર આકરો પ્રતિબંધ લાદી દીધો હતો.
રાજ્ય સરકારોના આ પરિપત્રોને એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. અરજદારે દલીલ કરી હતી કે આ પ્રતિબંધો બંધારણની કલમ ૧૪, ૧૯, ૨૧ અને ૨૧-A હેઠળ નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારોનું હનન કરે છે. અરજીમાં જણાવાયું હતું કે સ્વતંત્ર રીતે શાળાઓની સ્થિતિનું દસ્તાવેજીકરણ કરવાથી ત્યાં શૌચાલય, પીવાનું પાણી, મિડ-ડે મીલ અને માળખાકીય સુવિધાઓની ખામીઓ સામે લાવી શકાય છે.
જોકે, ન્યાયાધીશ પી. એસ. નરસિમ્હા અને ન્યાયાધીશ આલોક અરાધેની ખંડપીઠે આ અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે તેઓ કલમ ૩૨ હેઠળ આ મામલે ક્ષેત્રાધિકારનો ઉપયોગ કરીને સુનાવણી કરવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે સરકારી શાળાઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે શાળાઓમાં પ્રવેશતા પહેલા વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
