તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ટાલિયાપણું ભૂતકાળ બનશે: વૈજ્ઞાનિકોએ શોધી કાઢી વાળ ઉગાડવાની 'જાદુઈ' ફોર્મ્યુલા!
હવે મોંઘા હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર નહીં પડે : વૈજ્ઞાનિકોએ ખોપરીની કઠણ ચામડીને નરમ બનાવીને નિષ્ક્રિય સ્ટેમ સેલ્સને ફરીથી જીવંત કરવાની ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવી

અમદાવાદ : વાળ ખરવાની સમસ્યાથી પરેશાન લોકો માટે વિજ્ઞાન જગતમાંથી એક આશાસ્પદ સમાચાર આવ્યા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે એકવાર ટાલ પડી જાય પછી વાળ કુદરતી રીતે પાછા આવવા અશક્ય છે, પરંતુ 'સ્ટેમ સેલ રિવ્યુઝ એન્ડ રિપોર્ટ્સ'માં પ્રકાશિત થયેલા નવા સંશોધને આ ધારણાને જડમૂળથી હલાવી દીધી છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે વાળના મૂળ એટલે કે સ્ટેમ સેલ્સ ક્યારેય મરતા નથી, તેઓ માત્ર 'સૂઈ' જાય છે. જેમ પથ્થર જેવી જમીનમાં છોડ ઉગી શકતો નથી, તેમ ખોપરીની ચામડી સખત થઈ જવાથી વાળના કોષોને પોષણ મળતું બંધ થઈ જાય છે.
આ સંશોધનના મુખ્ય સૂત્રધાર ડૉ. દેબરાજ શોમ અને તેમની ટીમે સમજાવ્યું છે કે ટાલ પડવાનું મુખ્ય કારણ માત્ર હોર્મોન્સ જ નથી, પણ ખોપરીની પેશીઓનું કઠણ થઈ જવું (ECM stiffening) પણ છે. આ નવી પદ્ધતિમાં માઇક્રોનીડલિંગ અને અત્યાધુનિક બાયોમટીરિયલ સ્કેફોલ્ડ્સનો ઉપયોગ કરીને ખોપરીના વાતાવરણને ફરીથી ફળદ્રુપ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાથી ચામડી નરમ પડે છે અને સૂતેલા કોષોને 'બાયોમિકેનિકલ' સંકેતો મળે છે, જેનાથી વાળ કુદરતી રીતે ફરીથી ઉગવાનું શરૂ કરે છે.
ક્લિનિકલ ટ્રાયલ્સમાં જોવા મળ્યું છે કે આ પદ્ધતિથી માત્ર ૧૨ અઠવાડિયામાં વાળની ઘનતામાં ૨૦ થી ૩૦ ટકા જેટલો આશ્ચર્યજનક વધારો થયો છે. જે લોકો પર મિનોક્સિડિલ જેવી લોકપ્રિય દવાઓ અસર કરતી બંધ થઈ ગઈ હતી, તેમના માટે આ ટેકનિક 'ગેમ-ચેન્જર' સાબિત થઈ રહી છે. નિષ્ણાતોના મતે, આ શોધ આગામી સમયમાં હેર ટ્રાન્સપ્લાન્ટના મોંઘા અને પીડાદાયક વિકલ્પોનો અંત લાવી શકે છે અને લાખો લોકોને આત્મવિશ્વાસ સાથે માથા પર કુદરતી વાળની ભેટ આપી શકે છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
