તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
બાબા સિદ્દીકી હત્યાકાંડ: મુખ્ય આરોપી અનમોલ બિશ્નોઈની કસ્ટડી મેળવવામાં નિષ્ફળ રહેલી મુંબઈ પોલીસ પર કોર્ટ લાલઘૂમ, તાત્કાલિક કાર્યવાહી કરવા કડક નિર્દેશ
રાજકીય નેતાની સનસનીખેજ હત્યાના કેસમાં તપાસ એજન્સીની ઘોર બેદરકારી સામે અદાલતે ઉઠાવ્યા ગંભીર સવાલો; ૨૪ જુલાઈ સુધીમાં પાલન અહેવાલ રજૂ કરવા આદેશ.

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાના ચકચારી કેસમાં મુંબઈ પોલીસની તપાસ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ કેસની સુનાવણી કરી રહેલી મુંબઈની એક વિશેષ અદાલતે મુખ્ય આરોપી અને ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની કસ્ટડી મેળવવા માટે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં ન ભરવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગંભીર હત્યાના કેસમાં તપાસ એજન્સીએ પોતાની કાયદાકીય ફરજો પ્રત્યે દાખવેલી આ ઉદાસીનતા અત્યંત ખેદજનક છે.
તપાસ એજન્સી પર કોર્ટની ફિટકાર
સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ એસ.આર. નાવંદરે તપાસકર્તા અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું કે, જે આરોપીને ચાર્જશીટમાં 'મુખ્ય વોન્ટેડ આરોપી' તરીકે દર્શાવવામાં આવ્યો છે, તેને પકડવા કે તેની કસ્ટડી મેળવવા માટે પોલીસે કાયદાકીય રીતે જે પ્રયત્નો કરવા જોઈએ, તે કરવામાં આવ્યા નથી. કોર્ટે નોંધ્યું કે, અનમોલ બિશ્નોઈ હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે, તેમ છતાં મુંબઈ પોલીસે તેની કસ્ટડી મેળવવા માટે કોઈ અરજી કે વોરંટની પ્રક્રિયા શરૂ કરી નથી. કોર્ટે વધુમાં ટકોર કરી હતી કે, અદાલતે તપાસ એજન્સીને તેમની મૂળભૂત ફરજો યાદ અપાવવી પડે તે સ્થિતિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
કાયદાકીય માર્ગો અવગણવાનો આક્ષેપ
પોલીસ પક્ષે દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ બિશ્નોઈને એક વર્ષ સુધી જેલમાંથી બહાર કાઢી શકાય તેમ નથી. જોકે, આ દલીલને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, પોલીસ પાસે કાયદાકીય રીતે આરોપીની જેલમાં જ પૂછપરછ કરવા અથવા દિલ્હીની સંબંધિત કોર્ટની પરવાનગી મેળવીને ધરપકડ દર્શાવવાના વિકલ્પો ઉપલબ્ધ હતા, પરંતુ એજન્સીએ આ તમામ કાયદાકીય માર્ગોની સદંતર અવગણના કરી છે.
પીડિત પરિવારની અરજી અને આગળની કાર્યવાહી
બાબા સિદ્દીકીના પરિવારે કોર્ટમાં અરજી કરીને પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી અને બાહ્ય દબાણને કારણે તપાસમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અરજીના પગલે કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો છે કે તેઓ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ૨૪ જુલાઈ સુધીમાં તેનું પાલન અહેવાલ (Compliance Report) રજૂ કરે. આ આદેશ બાદ મુંબઈ પોલીસ પર આરોપીની કસ્ટડી મેળવવાનું દબાણ વધી ગયું છે.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
