<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેના વિવાદ પર બાબા રામદેવનું મોટું નિવેદન: 'તે મારા નાના ભાઈ અને શિષ્ય જેવા છે, મેં માત્ર અધિકારથી પ્રેમભર્યો ઠપકો આપ્યો હતો!'

ભગવાન રામ અને કૃષ્ણની સરખામણી મુદ્દે શરૂ થયેલા શાબ્દિક વિવાદ બાદ યોગ ગુરુ બાબા રામદેવે બંને પક્ષના સમર્થકોને સંઘર્ષ ટાળવા અને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ બંધ કરવા અપીલ કરી: જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ સ્વામીજીને અત્યંત સરળ અને મહાન ગણાવી હિન્દુ એકતાનો સંદેશ આપ્યો

નવી દિલ્હી :   યોગ ગુરુ બાબા રામદેવ અને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વચ્ચે ભગવાન કૃષ્ણ અંગેની ટિપ્પણીને લઈને ઉભા થયેલા વિવાદ પર હવે બાબા રામદેવે પોતે આગળ આવીને પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. પોતાની અગાઉની ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા બાબા રામદેવે કહ્યું કે, ભગવાન પ્રત્યે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ અને ભગવાન કૃષ્ણ વિશેના નિવેદનથી તેમને દુઃખ થયું હતું, કારણ કે કોઈ પણ દેવતાનું અપમાન કરવું એ સનાતન પરંપરા નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના 'નાના ભાઈ, શિષ્ય અને બાળક' સમાન ગણાવતા રામદેવે ઉમેર્યું કે, જ્યારે તેમને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે, ત્યારે તેમણે વડીલ તરીકેના પૂર્ણ અધિકારથી તેમને ઠપકો આપ્યો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ મોટું મન રાખીને તે ઠપકાને પ્રેમથી સ્વીકાર્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત તાજેતરમાં પ્રતાપગઢના કુંડા ખાતે આયોજિત રામ કથામાં બંને સંતોની મુલાકાત બાદ થઈ હતી. સોમવારે બાબા રામદેવે નામ લીધા વિના નિવેદન આપ્યું હતું કે ભગવાન રામ અને કૃષ્ણની સરખામણી ન કરવી જોઈએ અને સનાતન ધર્મના નામે દંભ ન ચાલી શકે. આ નિવેદન બાદ બંને સંતોના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા પર વાકયુદ્ધ શરૂ થયું હતું. જોકે, હવે રામદેવે સમર્થકોને શાંતિ જાળવવા અને પરસ્પર સંઘર્ષ ટાળવા અપીલ કરતા સ્પષ્ટ કર્યું છે કે તેમનો ઉદ્દેશ્ય કોઈની ટીકા કરવાનો કે ટ્રોલ કરવાનો બિલકુલ નહોતો.

બીજી તરફ, બાબા રામદેવની ટિપ્પણી પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ અત્યંત પરિપક્વ અને સંયમિત પ્રતિક્રિયા આપીને સૌના દિલ જીતી લીધા છે. તેમણે જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલાં જ પૂજ્ય સ્વામીજીએ તેમની પ્રશંસા કરી હતી અને આજે ઠપકો આપ્યો છે, પરંતુ તેઓ સંતોના આશીર્વાદ અને ટકોર બંનેને સમાન ભાવે સ્વીકારે છે. સ્વામીજીને અત્યંત સરળ, લાગણીશીલ અને મહાન વ્યક્તિત્વ ગણાવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારપૂર્વક કહ્યું કે, "અમે હંમેશા સંતો અને સનાતન ધર્મની એકતા માટે ઊભા છીએ; અમારું કાર્ય સમાજને જોડવાનું છે, તોડવાનું નહીં."

(6:25 PM IST)