<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

બાબા બર્ફાનીનું કદ ઘટયું, ૨૨ ફૂટનું પવિત્ર હિમલિંગ પીગળીને માત્ર ૭ થી ૮ ફૂટનું રહ્યું

ગ્‍લોબલ વોર્મિંગ અને કાળઝાળ ગરમીનો કહેરઃ અમરનાથ ગુફામાં બીરાજમાન

જમ્‍મુઃ ભીષણ ગરમી અને ગ્‍લોબલ વોર્મિગના કારણે ૧૪,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ ગુફામાં બિરાજમાન બાબા બર્ફાનીના અસ્‍તિત્‍વ પર આ વર્ષે પણ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. માત્ર બે મહિના પહેલા જે હિમલિગ ૨૦ થી ૨૨ ફૂટનું અને સંપૂર્ણ આકારમાં હતું, તે પીગળીને હવે માત્ર ૭ થી ૮ ફૂટનું રહી ગયું છે. યાત્રા શરૂ થાય તે પહેલા જ શિવલિગ અત્‍યંત ઝડપથી પીગળી રહ્યું છે. શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, આ વર્ષે આખી દુનિયામાં ગરમીએ જે રેકોર્ડ તોડ્‍યા છે તેની સીધી અસર અમરનાથ યાત્રાના પ્રતીક સમાન હિમલિગ પર પડી છે. જોકે આ કોઈ પહેલી ઘટના નથી. વર્ષ ૨૦૧૬, ૨૦૧૩ અને ૨૦૧૮માં પણ લાખો ભક્‍તોની ભીડ અને વધતા તાપમાનને કારણે હિમલિગ શ્રાવણ પૂર્ણિમા પહેલા જ સમય કરતાં વહેલા પીગળી ગયું હતું.

૨૦૧૬માં તો યાત્રાના પ્રથમ ૧૦ દિવસમાં જ ૪૦ હજાર ભક્‍તોના દર્શન બાદ ૧૦ ફૂટનું શિવલિગ પીગળીને દોઢ ફૂટનું થઈ ગયું હતું. નિષ્‍ણાતોના મતે, ગ્‍લેશિયરોથી ઘેરાયેલા આ વિસ્‍તારમાં વધુ લોકોના આગમનથી તાપમાન વધે છે. ૨૦૧૩માં તાપમાન ૩૪ ડિગ્રી પાર કરી ગયું હતું. આ વર્ષે પણ ગરમીના પ્રકોપથી પાછળથી આવનારા શ્રદ્ધાળુઓ બાબાના સાક્ષાત દર્શનથી વંચિત રહી જાય તેવી પૂરેપૂરી શક્‍યતા છે.

(10:38 AM IST)