<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

બાબા બાગેશ્વરે કહ્યું- બાબા રામદેવે હંમેશા મને સ્નેહ આપ્યો છે. નિંદા અને પ્રશંસા બંને સ્વીકાર્ય છે

યોગ ગુરુ બાબા રામદેવે કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને 'પાખંડી' ગણાવતા વિવાદ: શાસ્ત્રીએ હિંદુઓને જોડવાની વાત પર ભાર મૂક્યો અને આ વિવાદને આશીર્વાદ ગણાવ્યા

કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ યોગ ગુરુ બાબા રામદેવના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. બાબા રામદેવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નામ લીધા વિના જ તેમને 'પાખંડી' ગણાવ્યા હતા. આ અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું કે, 'બાબા રામદેવે હંમેશા મને સ્નેહ આપ્યો છે અને હું તેમને એક વડીલ કે વાલીના રૂપમાં જોયા છે. ચાર દિવસ પહેલા જ તેઓ અમારા મંચ પર આવ્યા હતા અને પ્રશંસા કરી હતી, અને હવે તેમણે આવું નિવેદન આપ્યું છે.'

બાબા બાગેશ્વરે નરમ વલણ અપનાવતા કહ્યું કે, 'મને નિંદા પણ સ્વીકાર્ય છે અને પ્રશંસા પણ સ્વીકાર્ય છે. તેમને કોઈ વાત ખટકી હશે તો તેમણે આવું કહ્યું હશે. પૂજ્ય સ્વામીજી આવું જ કહે છે, ચાર દિવસ પહેલા તેમણે વખાણ કર્યા હતા અને આજે નિંદા કરી દીધી. જો આજે હું કંઈ કહું તો એ યોગ્ય નહીં ગણાય. હું હિન્દુઓને જોડવા માટે છું, તોડવા માટે નથી. તેમણે મારું નામ લીધું નથી અને તેઓ ખૂબ જ સરળ સ્વભાવના છે. તેમના મનમાં કોઈ વાત હશે તો તેમણે આશીર્વાદ આપી દીધા અને આ પણ મારા માટે આશીર્વાદ જ છે.'

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'હું હંમેશા સંતો અને હિન્દુઓ માટે જ છું. હું કોઈ પણ સંત પર કોઈ ટિપ્પણી કરીશ નહીં, તેઓ જેવા પણ છે, મારા પોતાના જ છે. બંને પરિસ્થિતિમાં મોટો આનંદ છે.' એટલું જ નહીં, બાબા બાગેશ્વરે કથાની વ્યાસપીઠ પરથી હાજર લોકો પાસે પણ બોલાવ્યું કે, 'બોલો કે આ પણ આશીર્વાદ છે.' તેમણે કહ્યું કે, 'હું તો ભગવાનના ભરોસે રહું છું અને મારા માટે બધું જ સારું છે.' આ રીતે તેમણે વિવાદ વધારવાને બદલે શાંત વલણ અપનાવ્યું હતું.

(8:42 PM IST)