<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અયોધ્યા રામ મંદિર દાન ગણતરી વિવાદ: કર્મચારીઓની સામૂહિક રાજીનામાથી વહીવટીતંત્રમાં દોડધામ, વેતન કાપ અને કામના વધતા કલાકોને લઈને કર્મચારીઓનો આક્રોશ

​દાનની રકમમાં ગોટાળાના તપાસ અહેવાલ બાદ મંદિરમાં સુરક્ષાના કડક નિયમો લાગુ કરાયા હતા, પરિણામે માનસિક દબાણ વધતા કર્મચારીઓ કામ છોડવા મજબૂર બન્યા

​અયોધ્યા:અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતી દાનની રકમની ગણતરી કરતા કર્મચારીઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. દાનની રકમમાં થયેલી કથિત ઉચાપતની તપાસ વચ્ચે, આ કામગીરી સાથે જોડાયેલા ૨૦થી વધુ કર્મચારીઓએ એકસાથે રાજીનામાં ધરી દેતા મંદિર પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. કર્મચારીઓએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા વેતન કાપ, કામના કલાકોમાં અચાનક વધારો અને રજાઓમાં કરાયેલી કાપણીને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે.

​એક શિફ્ટમાં ૯ કલાકનું કામ, છતાં પગારમાં કાપ

રાજીનામું આપનારા કર્મચારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ મંદિરના દાનની ગણતરીનું કામ બે અલગ-અલગ શિફ્ટમાં થતું હતું. જોકે, ટ્રસ્ટે હવે આ તમામ કામગીરી એક જ શિફ્ટમાં સંકેલી લીધી છે, જેના કારણે કર્મચારીઓએ દરરોજ ૬ને બદલે ૯ થી ૧૦ કલાક સુધી સતત કામ કરવું પડે છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે આટલા લાંબા કલાકો કામ કરવા છતાં તેમના વેતનમાં વધારો કરવાને બદલે કાપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, કર્મચારીઓને મળતી માસિક રજાઓની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જે તેમના માટે સહનશક્તિ બહારની વાત બની ગઈ છે.

​સુરક્ષાના કડક નિયમો અને તપાસનું દબાણ

દાનની રકમમાં થયેલી ઉચાપત અંગે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના અહેવાલમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સીસીટીવી ફૂટેજમાં કેટલાક કર્મચારીઓ દાનની રકમ સંતાડતા ઝડપાયા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા. નવા નિયમો મુજબ, કર્મચારીઓએ હવે મોબાઇલ, પર્સ કે અન્ય વ્યક્તિગત સામાન વગર અને ખુલ્લા પગે ગણતરીના સ્થળે પ્રવેશવું પડે છે. દરેક કર્મચારીને વારંવાર તલાશીમાંથી પસાર થવું પડે છે અને સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. કર્મચારીઓનું કહેવું છે કે, આ પ્રકારના વાતાવરણમાં કામ કરવું ખૂબ જ તણાવપૂર્ણ બની ગયું છે.

​ટ્રસ્ટની કામગીરી પર સવાલો


સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે પાળી પૂર્ણ કર્યા બાદ કર્મચારીઓએ સામૂહિક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એસબીઆઈ તુલસી ઉદ્યાન શાખા તથા સંબંધિત સુરક્ષા એજન્સીને પોતાના રાજીનામાં સોંપ્યા હતા. આ ઘટના બાદ ગુરુવારે માત્ર ૧૨ જેટલા જ કર્મચારીઓ કામ પર હાજર રહ્યા હતા, જેનાથી દાનની ગણતરીની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. ટ્રસ્ટ હવે નવા કર્મચારીઓની ભરતીની તૈયારી કરી રહ્યું છે, પરંતુ તપાસના અને કડક ચકાસણીના દાયરાને કારણે નવી ભરતીમાં સમય લાગી શકે તેમ છે. અગાઉ આ વિવાદમાં ટ્રસ્ટના ટોચના પદાધિકારીઓના રાજીનામાં પણ પડ્યા હતા અને SIT દ્વારા તપાસ ચાલુ હોવાથી સમગ્ર મામલો અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(10:05 PM IST)