<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

અયોધ્યા રામ મંદિર પ્રસાદ કૌભાંડ: નૃપેન્દ્ર મિશ્રાના ઘટસ્ફોટથી ટ્રસ્ટમાં ભૂકંપ, કાર્યવાહીના એંધાણ

ચોરીને 'લૂંટ' ગણાવતા નિર્માણ સમિતિના અધ્યક્ષના નિવેદનથી ટ્રસ્ટની કામગીરી પર સવાલો: સીસીટીવીમાં પુરાવા મળ્યા હોવાનો દાવો, વહીવટી માળખામાં મોટા ફેરફારોની અટકળો

અયોધ્યા, : અયોધ્યાના રામ મંદિરમાં પ્રસાદની ગણતરીમાં થયેલી ગેરરીતિ અને કથિત ચોરીના મામલે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ તેને 'ચોરી' નહીં પણ 'લૂંટ' ગણાવતા ટ્રસ્ટમાં ખળભળાટ મચી ગયો છે. સીસીટીવી ફૂટેજમાં પુરાવા મળ્યા હોવાનો દાવો કરીને મિશ્રાએ સુરક્ષા અને ગણતરી પ્રક્રિયાની પોલ ખોલતા ટ્રસ્ટની સિસ્ટમમાં ધરખમ ફેરફાર અને ઉચ્ચ સ્તરીય કાર્યવાહીના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.

નૃપેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો છે કે, રોકડની ગણતરી દરમિયાન નોટોના બંડલમાંથી પૈસા ખિસ્સામાં મૂકતા કેટલાક લોકો સીસીટીવીમાં દેખાયા હતા, પરંતુ આ વીડિયો રેકોર્ડિંગ ફક્ત ૪૫ દિવસનું જ ઉપલબ્ધ હોવાથી અનેક પ્રશ્નો સર્જાયા છે. આ ઉપરાંત, મંદિરમાં ભક્તો દ્વારા દાન પેટીઓમાં અર્પણ કરવામાં આવતા સોના-ચાંદીના કિંમતી દાગીનાનો પણ કોઈ સત્તાવાર હિસાબ નથી, જે એક મોટી સિસ્ટમ નિષ્ફળતા દર્શાવે છે. આ સમગ્ર મામલે વહીવટી માળખું બદલવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે.

નૃપેન્દ્ર મિશ્રાએ SITની તપાસ અંગે સ્પષ્ટ કર્યું છે કે, ૧૫ દિવસમાં આટલા ગંભીર કેસની તપાસ પૂર્ણ કરવી વ્યવહારિક નથી, અને ગુણવત્તાપૂર્ણ તપાસ માટે વધુ સમયની જરૂર છે. તેમણે આ તપાસનો રિપોર્ટ જાહેર કરવાની માગ કરી છે, જેથી લાખો ભક્તોની શ્રદ્ધા જળવાઈ રહે અને પારદર્શિતા વધે. આ નિવેદનો બાદ હવે ટ્રસ્ટના કેટલાક મુખ્ય અધિકારીઓની ભૂમિકાની સમીક્ષા થવાની અને કર્મચારીઓ સામે સીધી કાર્યવાહી થવાની શક્યતા પ્રબળ બની છે.

હાલમાં સમગ્ર મામલો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના રિપોર્ટ પર ટકેલો છે. SIT દ્વારા સરકારને સોંપવામાં આવનાર અંતિમ તપાસ અહેવાલ બાદ ચંપત રાય સહિતના વહીવટી હોદ્દેદારોની જવાબદારી નક્કી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે તે માટે મંદિરની સુરક્ષા તથા દેખરેખ વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે.

(10:23 AM IST)