તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 14th April 2026
જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છેઃ રાષ્ટ્રપતિ
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS) ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં: MBBSના ૭પ૦ છાત્રોને ડીગ્રી એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે ગઇકાલે એઇમ્સમાં પ૦ છાત્રોને પદવી એનાયત થઇ હતી. તસ્વીરોમાં રાષ્ટ્રપતિજી સાથે રાજયપાલ શ્રી દેવવ્રતજી, ડો. જીતનસિંહ તીતલિયાજી તથા અગ્રણીઓ અને તબીબી છાત્રો નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ, તા., ૧૪ : ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી રાજકોટ એઈમ્સ (AIIMS)ના પ્રથમ પદવીદાન સમારોહમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ સંબોધન કરતાં કહ્યું કે, દેશભરમાં પરવડે તેવા ખર્ચે ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ઘણી એઈમ્સની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાઓ ઉત્તમ તબીબી શિક્ષણ, સંશોધન અને નવી શોધોને પ્રોત્સાહન, જાહેર આરોગ્ય સેવા અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કે, નવા સંશોધનો અને દર્દીઓની સારવાર દ્વારા આરોગ્ય સેવાઓને આગળ વધારવા માટે એઈમ્સની મહેનત પ્રશંસનીય છે.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, એઈમ્સ રાજકોટ એક નવી સંસ્થા છે. તબીબી શિક્ષણ, સંશોધન અને સેવાના ક્ષેત્રોમાં તેને હજુ ઘણી મજલ કાપવાની છે. એઈમ્સના નીતિ નિર્ધારકો તેમના લક્ષ્યોમાં માત્ર એઈમ્સના મુખ્ય ઉદ્દેશ્યોને જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળતી આરોગ્ય વિષયક સમસ્યાઓના ઉકેલ માટે પણ આગેવાની લે, તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે તબીબી વ્યવસાય એ માત્ર કમાણીનું સાધન નથી; તે માનવતાની સેવા કરવાનું એક વચન પણ છે. આ વ્યવસાયમાં માત્ર વિજ્ઞાનનું જ્ઞાન જ નહીં પરંતુ દયાભાવ, ધીરજ અને નમ્રતાની પણ જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટરો જે સફેદ કોટ પહેરે છે તે બીમારી અને મુશ્કેલીના સમયે સમાજ તેમના પર જે વિશ્વાસ મૂકે છે તેનું પ્રતીક છે. આ વિશ્વાસને ટકાવી રાખવાની જવાબદારી ડોક્ટરોની છે.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, સારા ડોક્ટર બનવું એ એક મોટી સફળતા છે પણ પ્રામાણિકતા, દયા અને પરોપકારની ભાવના જેવા માનવીય ગુણો ધરાવતા ડોક્ટર બનવું એ તેનાથી પણ મોટી સફળતા છે. તેમણે જણાવ્યું હતું કે, કુશળ અને સામાજિક રીતે જાગળત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના હોદ્દાનો સદુપયોગ કરીને દેશના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સલાહ આપી હતી.
આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે એઈમ્સ હોસ્પિટલ, રાજકોટ આરોગ્ય ક્ષેત્રે સફળતાના સોપાન સર કરી રહી છે. જેના સુખદ પરિણામ સ્વરૂપે તબીબોની પ્રથમ બેચ નાગરિકોને આરોગ્યલક્ષી સેવા આપવા માટે સક્ષમ બની છે. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, ડોકટરને ભગવાન પછી બીજું સ્થાન આપવામાં આવે છે, ત્યારે પોતાના સદગુણો અને કાર્યો થકી લોકોના હૃદયમાં સ્થાન બનાવી શકીએ એ જ સફળ જીવનની વ્યાખ્યા છે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે તબીબી સેવાનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્ર સેવાનું માધ્યમ છે. દર્દી નારાયણ દ્વારા ડોક્ટરને ઈશ્વરના બીજા સ્વરૂપમાં જોવામાં આવે છે ત્યારે દર્દી અને ડોક્ટર વચ્ચે વિશ્વાસનો સેતુ હંમેશા કાયમ રહેવો જોઈએ. દર્દીઓ અને તેમના પરિવારજનોને ડોક્ટર પાસે ખૂબ આશા હોય છે, તેઓની સાથે આત્મીયતા કેળવી, તેમનો વિશ્વાસ જીતી, સારવાર આપવાની સાથે દર્દીઓને હૂંફ આપવા જણાવ્યું હતું.
આ સમારોહનાં પ્રારંભે એઈમ્સ રાજકોટના ડાયરેક્ટર ડૉ. જીવનસિંઘ તિતિયાલે દિક્ષાંત સમારોહની ક્ષણને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે યુવા તબીબોને કહ્યું હતું કે, તબીબી સેવા માત્ર બીમારીનો ઈલાજ કરવા પૂરતી સીમિત નથી પરંતુ તે કરૂણા અને ગરિમા સાથે માનવતાની સેવા કરવાનું પવિત્ર કાર્ય છે.
આ અવસરે કાર્યકારી નિર્દેશક ડૉ. એલ. એન. દોરાઈરાજને એઈમ્સ રાજકોટની સફળયાત્રાની વિગતો રજૂ કરી હતી તેમજ તાાતક થયેલા પ્રથમ બેચના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીને તબીબી સેવાની સાથે કરૂણા, અખંડિતતા અને નમ્રતાના મૂલ્યો અપનાવીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદો સર્વ પરશોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટના તબીબી, ઉદ્યોગજગત અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
