<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ઈરાન યુદ્ધની આગમાં હોમાયું એવિએશન સેક્ટર: જેટ ફ્યુઅલના ભાવમાં 84% નો તોતિંગ વધારો, ઉનાળુ વેકેશનના પ્લાન પર સંકટના વાદળો

દાયકાના સૌથી મોટા ઉર્જા સંકટને કારણે હવાઈ મુસાફરી મોંઘી થશે; ખાડી દેશોની એરલાઇન્સને સૌથી મોટો ફટકો, યુરોપ અને એશિયામાં ઈંધણના રેશનિંગનો ખતરો

રાજકોટ : કોરોના મહામારીના આઘાતમાંથી માંડ બહાર આવેલું વૈશ્વિક એવિએશન સેક્ટર હવે ઈરાન યુદ્ધના કારણે ફરી એકવાર મોટા સંકટમાં ફસાયું છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષ બાદ જેટ ફ્યુઅલ (વિમાનના ઈંધણ) ના ભાવમાં અત્યાર સુધીમાં 84% નો અધધ વધારો ઝીંકાયો છે. આ પરિસ્થિતિને કારણે આગામી ઉનાળુ વેકેશનમાં હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે ખિસ્સા ખાલી કરવાનો વારો આવે તેમ છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના વડા વિલી વોલ્શે ચેતવણી આપી છે કે જો યુદ્ધ જલ્દી સમાપ્ત નહીં થાય, તો એશિયા અને યુરોપમાં ઈંધણના પુરવઠામાં ઘટાડો (રેશનિંગ) જોવો પડી શકે છે.
યુદ્ધના કારણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી થતો તેલ અને ગેસનો પુરવઠો ખોરવાયો છે, જેણે છેલ્લા અનેક દાયકાઓનું સૌથી મોટું ઉર્જા સંકટ ઊભું કર્યું છે. એરલાઇન્સ કંપનીઓએ અત્યાર સુધી તો જૂના કરારો (Hedges) ને કારણે ભાવવધારો સહન કરી લીધો હતો, પરંતુ હવે આ કરારો પૂરા થઈ રહ્યા છે. પરિણામે, એર ફ્રાન્સ-કેએલએમ, બ્રિટિશ એરવેઝ અને લુફ્થાન્ઝા જેવી મોટી કંપનીઓએ ફ્લાઈટની સંખ્યામાં કાપ મૂક્યો છે અને ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે. સ્વીડનના ઉર્જા મંત્રીએ પણ નાગરિકોને મુસાફરીના પ્લાન વિચારીને બનાવવા માટે 'અર્લી વોર્નિંગ' આપી દીધી છે.
આ સંકટની સૌથી ખરાબ અસર ખાડી દેશોની (Gulf Airlines) એરલાઇન્સ પર પડી છે. માર્ચ મહિનામાં મધ્ય પૂર્વના ઓપરેટરોની ફ્લાઈટ્સમાં 50% નો ઘટાડો નોંધાયો છે, જ્યારે કનેક્ટિંગ ફ્લાઈટ્સના બુકિંગમાં 42.5% નો ઘટાડો થયો છે. જોકે, આટલા મોટા પડકાર છતાં નિષ્ણાતોનું માનવું છે કે 2020 ની કોરોના મહામારી જેવી સ્થિતિ હજુ સર્જાઈ નથી. તે સમયે માંગ સાવ તળિયે બેસી ગઈ હતી, જ્યારે અત્યારે મુસાફરીની માંગ તો મજબૂત છે, પરંતુ વધતા ખર્ચ અને ઈંધણની અછત મુખ્ય અવરોધ બની રહ્યા છે.
રુસો-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે. એરલાઇન્સ હવે વધુ સતર્ક બની છે અને ઝડપથી બદલાતી પરિસ્થિતિ મુજબ પોતાની ક્ષમતામાં ફેરફાર કરી રહી છે. ફિનલેન્ડની ફિનએર જેવી કેટલીક કંપનીઓને એશિયન રૂટ પર વધુ માંગ મળતા ફાયદો પણ થયો છે, પરંતુ એકંદરે આખું સેક્ટર અત્યારે અનિશ્ચિતતાના માહોલમાં છે. જો ઈરાનમાં યુદ્ધ વિરામ થાય તો પણ નિષ્ણાતોને નથી લાગતું કે ઈંધણના ભાવ જલ્દીથી જૂના સ્તરે પરત ફરશે. મુસાફરો માટે હવે 'ઘરની નજીક' વેકેશન માણવું એ જ એકમાત્ર આર્થિક વિકલ્પ બચ્યો હોય તેવું લાગી રહ્યું છે.

(8:49 PM IST)