તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
ઓસ્ટ્રેલિયાનો ‘ડિજિટલ હન્ટર' અવતારઃ મેટા અને ગૂગલ પાસે વસૂલશે ‘ન્યૂઝ ટેક્સ'!
જો સમાચાર મફતમાં વાપરશો તો કમાણી પર ૨.૨૫% દંડ ભરવા તૈયાર રહોઃ વિશ્વભરમાં નવા ટેક્સ મોડેલની જોરદાર ચર્ચા

નવી દિલ્હી, તા.૨૮: ઓસ્ટ્રેલિયાએ દુનિયાભરની ટેક કંપનીઓ માટે લાલ આંખ કરી છે. ગૂગલ, મેટા અને ટિકટોક જેવા પ્લેટફોર્મ્સ અત્યાર સુધી સ્થાનિક સમાચાર બતાવીને કરોડોની કમાણી કરતા હતા, પરંતુ હવે તેઓએ આ ‘મફતની મલાઈ' બદલ મોટી કિંમત ચૂકવવી પડશે. સરકારના નવા ‘ન્યૂઝ બાર્ગેનિંગ ઇન્સેન્ટિવ' મુજબ, જો આ ટેક જાયન્ટ્સ સ્થાનિક ન્યૂઝ પબ્લિશર્સ સાથે વાજબી કરાર નહીં કરે, તો તેમની કુલ સ્થાનિક આવક પર ૨.૨૫% નો સીધો ટેક્સ ઠોકી દેવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય ૧ જુલાઈ ૨૦૨૫ થી અમલમાં આવવાની શકયતા છે, જે ડિજિટલ જગતમાં ખળભળાટ મચાવી રહ્યો છે.
કોમ્યુનિકેશન મંત્રી અનિકા વેલ્સે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પ્લેટફોર્મ્સ સમાચારને કારણે જ સમળદ્ધ બને છે, તેથી તેમણે પત્રકારત્વના અસ્તિત્વ માટે ફાળો આપવો જ પડશે. આ ટેક્સ દ્વારા જે ભંડોળ એકઠું થશે, તેનો ઉપયોગ ઓસ્ટ્રેલિયન ન્યૂઝ સંસ્થાઓને આર્થિક મદદ કરવા માટે કરવામાં આવશે. સરકારનું માનવું છે કે ટેક કંપનીઓ ન્યૂઝ કન્ટેન્ટનો ઉપયોગ કરીને યુઝર્સને જકડી રાખે છે, પણ બદલામાં મૂળ કન્ટેન્ટ બનાવનાર પત્રકારોને કંઈ મળતું નથી. આ નવી વ્યવસ્થાથી ડિજિટલ પ્લેટફોર્મ્સે કાં તો સીધો કરાર કરવો પડશે અથવા સરકારની તિજોરીમાં ટેક્સ જમા કરાવવો પડશે.
વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે આ પગલાને ‘રાષ્ટ્રીય હિત' ગણાવતા કહ્યું છે કે મોટી ટેક કંપનીઓ ઓસ્ટ્રેલિયન પત્રકારત્વમાંથી નફો મેળવીને જવાબદારીમાંથી છટકી શકે નહીં. ખાસ કરીને એવા સમયે જ્યારે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વિશ્વસનીય સ્થાનિક સમાચાર સંસ્થાઓને જીવતી રાખવી અનિવાર્ય છે. ઓસ્ટ્રેલિયાનું આ મોડેલ હવે કેનેડા અને યુરોપિયન દેશો માટે પણ માર્ગદર્શક બની શકે છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો ભવિષ્યમાં ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓએ દુનિયાના દરેક દેશમાં ‘કન્ટેન્ટ ફી'ચૂકવવી પડી શકે છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
