તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 25th September 2026
ઓસ્ટ્રેલિયાના વાતાવરણ પરિવર્તન મંત્રી ક્રિસ બોવને દિલ્હીના રસ્તા પર દોડાવી ઈ-રિક્ષા: ભારતના ક્લીન એનર્જી ટ્રાન્સફોર્મેશનના મુક્તકંઠે કર્યા વખાણ!
દિલ્હીમાં બેઠકો વચ્ચે ઓસ્ટ્રેલિયન મંત્રીએ પોતે રિક્ષાનું સ્ટીયરીંગ સંભાળ્યું; COP31 સમિટ પહેલા ભારતને વૈશ્વિક ક્લાઈમેટ નીતિ માટે 'અનિવાર્ય અવાજ' ગણાવ્યો

નવી દિલ્હી, તા.૨૫: ઓસ્ટ્રેલિયાના વાતાવરણ પરિવર્તન અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન (Chris Bowen) ની ભારત મુલાકાત દરમિયાન દિલ્હીના રસ્તાઓ પર એક રસપ્રદ અને અનોખો નજારો જોવા મળ્યો હતો. ભારતની અધિકૃત મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના મંત્રી પોતાની બેઠકો વચ્ચે ઈ-રિક્ષા (ઈલેક્ટ્રિક રિક્ષા) માં બેસીને પ્રવાસ કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, ઉત્સાહમાં આવીને તેમણે થોડીવાર માટે પોતે ડ્રાઈવરની સીટ પર બેસીને રિક્ષા પણ ચલાવી હતી.
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનર ફિલિપ ગ્રીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મજેદાર વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "દિલ્હીમાં બેઠકોની વચ્ચે મંત્રી ક્રિસ બોવેને ક્લીન એનર્જી તરફ આગળ વધી રહેલા ભારતની નવીનતાને નજીકથી જોવા ઈ-રિક્ષાની સવારી કરી હતી. સવારી તરીકે શરૂ થયેલી આ મુસાફરી ઝડપથી સ્ટીયરીંગ સંભાળવામાં બદલાઈ ગઈ અને તે ખૂબ જ આનંદદાયક અનુભવ રહ્યો!"
ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત અને COP31 અંગે ચર્ચા
ઓસ્ટ્રેલિયન મંત્રીએ ભારતના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ફીજીમાં યોજાનારી પ્રી-COP મિનીસ્ટ્રીયલ બેઠક અને તુર્કીમાં યોજાનારી COP31 સમિટના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં ભારતે ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે કરેલી કામગીરીની સફળતાની ગાથાઓ રજૂ કરી હતી.
ભારત ક્લાઈમેટ પોલિસી માટે 'અનિવાર્ય અવાજ'
ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન (CRF) અને ઓસ્ટ્રેલિયન હાઈકમિશન દ્વારા આયોજિત 'પાર્ટનર્સ ઈન ગ્રીન ટ્રાન્સિશન' સંવાદને સંબોધતા ક્રિસ બોવેને ભારતના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "ભારત સમગ્ર વિશ્વને દર્શાવી રહ્યું છે કે ક્લીન એનર્જી એ આર્થિક સમૃદ્ધિ માટે રૂકાવટ નહીં પરંતુ તેનો સાચો માર્ગ છે." તેમણે ઉમેર્યું કે વૈશ્વિક ઉર્જા નીતિના ભવિષ્યને આકાર આપવામાં ભારત એક અત્યંત મહત્વપૂર્ણ અને 'અનિવાર્ય અવાજ' છે અને ભારતનો અનુભવ વૈશ્વિક સ્તરે ક્લાઈમેટ લક્ષ્યાંકોને ઝડપથી પ્રાપ્ત કરવામાં મોટો ભાગ ભજવશે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
