તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ન્યૂઝીલેન્ડમાં ભારતીયોના અદમ્ય ઉત્સાહથી ગુંજી ઉઠ્યું ઓકલેન્ડ: ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાતથી સર્જાયો માહોલ
‘કિયા ઓરા મોદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત: ભારતીય ડાયસ્પોરાના યોગદાનને બિરદાવતા પીએમ ભાવુક થયા, ૨૫ વર્ષ જૂના મફલર સાથે તાજી કરી સ્મૃતિઓ

ઓકલેન્ડ:ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ત્રણ દેશોની વિદેશ યાત્રાના સમાપન સમયે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાય સાથે એક યાદગાર સંવાદ સાધ્યો હતો. લગભગ ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ ભારતના કોઈ વડાપ્રધાને ન્યૂઝીલેન્ડની ધરતી પર પગ મૂકતા, સ્થાનિક ભારતીય સમુદાયમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઓકલેન્ડના પ્રખ્યાત 'સ્પાર્ક એરેના' ખાતે આયોજિત 'કિયા ઓરા મોદી' કાર્યક્રમ જાણે મીની ઈન્ડિયામાં ફેરવાઈ ગયું હોય તેવો દ્રશ્ય સર્જાયો હતો.
ભારતીય સમુદાય પ્રત્યે ગૌરવની લાગણી
આ ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભારતીયોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "જ્યારે પણ હું ન્યૂઝીલેન્ડના નેતાઓને મળું છું, ત્યારે તેઓ હંમેશા તમારી મહેનત અને પ્રમાણિકતાના વખાણ કરે છે. તમારી આ પ્રશંસા સાંભળીને મારું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે." પીએમએ વધુમાં ઉમેર્યું કે, અહીં વસતા ભારતીયો સંપૂર્ણપણે 'કીવી' બની ગયા હોવા છતાં તેમણે પોતાની ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને ખૂબ જ સુંદર રીતે જીવંત રાખ્યા છે.
વાકા પરંપરા અને ભારત-ન્યૂઝીલેન્ડ મિત્રતા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપવાનો વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ બંને દેશોની મિત્રતાને 'વાકા' પરંપરા સાથે સરખાવી હતી. તેમણે સમજાવ્યું કે 'વાકા' એટલે સહિયારી યાત્રાનું પ્રતીક છે, અને હવે ભારત તથા ન્યૂઝીલેન્ડ સાથે મળીને આ યાત્રાને નવી ગતિ આપશે. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ લક્સનની લોકપ્રિયતા અને ભારતીય સમુદાય સાથેના તેમના લગાવના મુક્ત મને વખાણ કર્યા હતા.
જૂની યાદો અને લાગણીનો સંગમ
સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદી એક અત્યંત ભાવુક ક્ષણમાં સરી પડ્યા હતા. તેમણે પોતાની ૨૫થી ૩૦ વર્ષ જૂની મુલાકાતને યાદ કરતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે સત્તામાં ન હતા ત્યારે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ આવ્યા હતા. તે સમયે એક સ્થાનિક નાગરિકે તેમને પ્રેમપૂર્વક ગિફ્ટમાં આપેલું મફલર, ટોપી અને ગ્લવ્ઝ તેમણે આજે પણ સાચવી રાખ્યા છે. ખાસ વાત એ હતી કે, પીએમ મોદી તે મફલર પહેરીને જ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જે ન્યૂઝીલેન્ડના લોકો પ્રત્યેનો તેમનો અતૂટ પ્રેમ અને આદર દર્શાવે છે.
સાંસ્કૃતિક અને સામાજિક કડીઓ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારતીય મૂળના અનેક સફળ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ ન્યૂઝીલેન્ડના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. તેમણે એ વાત પર પણ આનંદ વ્યક્ત કર્યો કે ન્યૂઝીલેન્ડમાં અનેક સ્થળોના નામ ભારતીય શહેરો જેવા કે ખંડાલા, બોમ્બે હિલ્સ, કોરોમંડલ, કલકત્તા સ્ટ્રીટ અને અમૃતસર સ્ટ્રીટ પરથી રાખવામાં આવ્યા છે, જે બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
