<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ગુજરાત અને મધ્યપ્રદેશમાં ATSનું મધ્યરાત્રિએ મેગા ઓપરેશન : પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદનું આતંકી નેટવર્ક સક્રિય કરવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવીને બનાસકાંઠા, પાટણ, નવસારી અને દેવાસમાંથી ૮ આતંકીઓની ધરપકડ કરતી સુરક્ષા એજન્સી

ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવીને હાથ ધરાયેલા પ્રચંડ મિશનમાં પાલનપુર, સિદ્ધપુર, ચીખલી અને મધ્યપ્રદેશના દેવાસમાંથી ઝડપાયેલા તમામ ૮ દેશવિરોધી શખ્સોના નામ અને ઉંમર સહિતની ચોંકાવનારી વિગતો જાહેર : રાજ્યમાં સંગઠનનું માળખું ઊભું કરે તે પહેલાં જ દબોચીને સઘન પૂછપરછ શરૂ કરાઈ

 અમદાવાદ, ૩ જુલાઈ:  ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા આજે એક ખૂબ જ મોટું ઓપરેશન પાર પાડીને દેશવિરોધી પ્રવૃત્તિઓનું મસમોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં એકસાથે દરોડા પાડીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સક્રિય રીતે જોડાયેલા ૮ આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલા આ તમામ શખ્સો ગુજરાત રાજ્યમાં ફરીથી આખું આતંકી સંગઠન ઊભું કરવા અને તેનું નેટવર્ક સક્રિય કરવા માટે ગુપ્ત રીતે કામગીરી કરી રહ્યા હતા. આ અંગેની ગંભીર કડીઓ મળતા જ એટીએસની અલગ-અલગ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને આરોપીઓને દબોચી લેવાયા છે.

 

*પકડાયેલા તમામ ૮ આતંકીઓના નામ, ઉંમર અને રહેઠાણની સંપૂર્ણ વિગત*

 

ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આરોપીઓની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જેઓ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાંથી ઓપરેશન દરમિયાન ઝડપાયા છે. પકડાયેલા શખ્સોની વિગત નીચે મુજબ છે:

 

૧.  અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા ઉર્ફે અબુ ઉબૈદા (ઉંમર ૧૯ વર્ષ):  રહેઠાણ - ભાગલ, પાલનપુર, જિલ્લો બનાસકાંઠા.

 

૨.  ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા (ઉંમર ૩૦ વર્ષ):  રહેઠાણ - ભાગલ, પાલનપુર, જિલ્લો બનાસકાંઠા.

 

૩.  મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબુ આયા (ઉંમર ૨૨ વર્ષ):  રહેઠાણ - ભાગલ, પાલનપુર, જિલ્લો બનાસકાંઠા.

 

૪.  ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા ઉર્ફે ઈબ્ન અમ્મર ઉર્ફે ઝકરિયા પાલનપુરી (ઉંમર ૨૧ વર્ષ):  જામિયા અબુલ હસન મદ્રેસા, ખાડિયાસણા, સિદ્ધપુર, જિલ્લો પાટણ.

 

૫.  મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દૌવા (ઉંમર ૪૦ વર્ષ):  જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસણા, સિદ્ધપુર, જિલ્લો પાટણ.

 

૬.  મોહમ્મદ અમીન શેરા ઉર્ફે અમીન પાલનપુરી (ઉંમર ૨૧ વર્ષ):  જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસણા, સિદ્ધપુર, જિલ્લો પાટણ.

 

૭.  મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી ઉર્ફે મોહમ્મદ પાલનપુરી ઉર્ફે અબુ યુનિસા (ઉંમર ૨૨ વર્ષ):  જામિયા રહેમાનીયા ખંભાળિયા, અંભેટા, ચીખલી, જિલ્લો નવસારી.

 

૮.  બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા ઉર્ફે અબુ દુજાના ઉર્ફે અબુ સુફીયાન ઉર્ફે અબુ ઝુંદાલ ઉર્ફે ઉમર બિન ખત્તાબ (ઉંમર ૧૮ વર્ષ):  વારસી નગર, દેવાસ, મધ્યપ્રદેશ.

 

*રાજ્યમાં મોટું માળખું ઊભું કરવાનો હતો મનસૂબો, એટીએસની પૂછપરછ ચાલુ*

 

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદના આ સક્રિય સભ્યો સ્થાનિક સ્તરે યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમજ અલગ-અલગ વિસ્તારોમાં આતંકી સંગઠનનું મજબૂત માળખું તૈયાર કરીને કોઈ મોટી આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હતા. જોકે, તેઓ પોતાના મનસૂબામાં કામયબ થાય તે પહેલા જ એટીએસની ટીમોએ અત્યંત ગુપ્તતાપૂર્વક ઓપરેશન લાઈવ કરીને તમામની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આ તમામ આરોપીઓ સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવાના અને આતંકવાદી સંગઠનો સાથે સીધા સંપર્કમાં હોવાના ગંભીર ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ટોળકીના અન્ય સભ્યો અને ભંડોળના સ્ત્રોત અંગે આગળની સઘન પૂછપરછ અને તપાસનો દોર ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં આગામી સમયમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે.

(3:24 PM IST)