News of Saturday, 1st August 2026
માટીના ઘરમાંથી ગ્લાસ્ગોના શિખર સુધી અસ્મિતા દેની ઐતિહાસિક છલાંગ
દિવસના માંડ ₹૩૦૦ કમાતા સાયકલ મિકેનિક પિતાનું સપનું દીકરીએ પૂરું કર્યુંઃ કેનેડાની હેઈડી ક્વાચને ગોલ્ડન સ્કોરમાં હરાવી ભારતને જુડોમાં પ્રથમ કોમનવેલ્થ સુવર્ણ ચંદ્રક અપાવ્યો : ડિસેમ્બરમાં કોમનવેલ્થ પસંદગી ટ્રાયલના થોડા દિવસ પહેલાં બ્રેઇન સ્ટ્રોકથી પિતાનું અવસાન થયુંતું: અંતિમ સંસ્કારના દસ દિવસ બાદ માતાએ ફરી તાલીમે મોકલી

ગ્લાસ્ગો: દક્ષિણ ત્રિપુરાના નાનકડા બેલોનિયા ગામમાંથી આવેલી માત્ર ૨૩ વર્ષની અસ્મિતા દેએ ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતોમાં ઇતિહાસ રચ્યો છે. મહિલાઓના ૪૮ કિલોગ્રામ જુડો વર્ગની ફાઇનલમાં તેણે કેનેડાની હેઈડી ક્વાચને ગોલ્ડન સ્કોર સુધી ખેંચાયેલી રોમાંચક સ્પર્ધામાં ૨-૧થી હરાવી સુવર્ણચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રમંડળ રમતોના ઇતિહાસમાં જુડોમાં સુવર્ણ જીતનાર અસ્મિતા પ્રથમ ભારતીય ખેલાડી બની છે. આંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશનના અધિકૃત રેકોર્ડમાં પણ ૩૧ જુલાઈ, ૨૦૨૬ના ગ્લાસ્ગો મુકાબલામાં અસ્મિતાનું પ્રથમ સ્થાન નોંધાયું છે.
ફાઇનલના મધ્યભાગમાં ક્વાચે ‘યુકો’ મેળવી સરસાઈ બનાવી હતી. અસ્મિતાએ દબાણ વચ્ચે જોરદાર થ્રો કરીને સ્કોર સરભર કર્યો હતો. નિયમિત સમય પૂરો થયા બાદ મુકાબલો ગોલ્ડન સ્કોરમાં ગયો, જ્યાં મેટની ધાર નજીક અસ્મિતાએ નિર્ણાયક દાવ લગાવી ઐતિહાસિક વિજય પોતાના નામે કર્યો હતો.
પિતા અર્જુન દેનું અધૂરું સ્વપ્ન
અસ્મિતાના પિતા અર્જુન દે ત્રિપુરામાં સાયકલ રિપેરિંગની નાની દુકાન ચલાવતા હતા. તેમની દૈનિક આવક માંડ ₹૩૦૦ જેટલી હતી અને પરિવાર સાદા માટીના ઘરમાં રહેતો હતો. આર્થિક મુશ્કેલીઓ છતાં તેમણે દીકરીની તાલીમમાં ક્યારેય અડચણ આવવા દીધી નહોતી. ડિસેમ્બર ૨૦૨૫માં કોમનવેલ્થ પસંદગી ટ્રાયલના થોડા દિવસ પહેલાં બ્રેઇન સ્ટ્રોકથી તેમનું અવસાન થયું હતું.
કારકિર્દીની શરૂઆતમાં અસ્મિતાને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ ત્યારે પિતા તેને સારવાર માટે દિલ્હી લઈ ગયા હતા. પોતાની મર્યાદિત આવકમાંથી દવાઓ ખરીદી અને ફરી જુડોના મેટ પર ઊભી થાય ત્યાં સુધી તેનો સાથ છોડ્યો નહોતો. સુવર્ણ જીત્યા બાદ ભાવુક બનેલી અસ્મિતાએ કહ્યું હતું કે, “હું ખૂબ નાના ગામમાંથી આવું છું, જ્યાં લોકો આટલું મોટું સ્વપ્ન જોતા નથી; પરંતુ પપ્પાએ હંમેશાં મને ટેકો આપ્યો હતો.”
અંતિમ સંસ્કારના દસ દિવસ બાદ માતાએ ફરી તાલીમે મોકલી
પિતાના અવસાન બાદ અસ્મિતાને લાગ્યું હતું કે તેની રમત અને સપનાં બંનેનો અંત આવી ગયો છે. જોકે અંતિમ સંસ્કારના માત્ર દસ દિવસ પછી માતાએ તેને ભોપાલના ભારતીય રમત પ્રાધિકરણના તાલીમ કેન્દ્રમાં પાછી જવા કહ્યું હતું. માતાએ દીકરીને સમજાવ્યું હતું કે, “હું આજે તને રોકીશ તો તારા પિતાને લાગશે કે મેં તારાં સપનાં તોડી નાખ્યાં.” માતાની આ વાતે અસ્મિતાને ફરી ઊભી કરી અને તે પોતાની બેગ લઈને ભોપાલ પરત ફરી હતી.
રમતો પહેલાં તે એટલી ચિંતિત રહેતી કે રાત્રે ઊંઘ પણ આવતી નહોતી. થાકેલું શરીર હોવા છતાં સવારે સાડા પાંચ વાગ્યે ઊઠીને તાલીમ લેતી હતી. તેના ભાઈએ લાવેલી મનપસંદ મીઠાઈ પણ વજન અને તૈયારી બગડે નહીં તે માટે ફ્રિજમાં અડ્યા વગર રાખી હતી. સુવર્ણચંદ્રકે તેના દરેક ત્યાગનું ફળ આપી દીધું.
૮૦૦ મીટરની દોડવીરથી દેશની શ્રેષ્ઠ જુડોકા સુધી
અસ્મિતાએ શરૂઆતમાં ૮૦૦ મીટર દોડની ખેલાડી તરીકે રમત શરૂ કરી હતી. જિલ્લા સ્તરની પસંદગી દરમિયાન જુડોમાં તેની પ્રતિભા ઓળખાયા બાદ તેને ભારતીય રમત પ્રાધિકરણની તાલીમ યોજનામાં સામેલ કરવામાં આવી. હાલ તે ભોપાલના રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રમાં અનુભવી કોચ યશપાલ સોલંકી હેઠળ તાલીમ લે છે અને લક્ષ્ય ઓલિમ્પિક પોડિયમ યોજનાના વિકાસ જૂથનો પણ ભાગ રહી છે.
અસ્મિતાએ વર્ષ ૨૦૨૩માં મકાઉ જુનિયર એશિયા કપમાં સુવર્ણ, કુવૈત એશિયન ઓપનમાં રજત અને વર્ષ ૨૦૨૫ના કાસાબ્લાંકા આફ્રિકન ઓપનમાં સુવર્ણ જીત્યું હતું. એપ્રિલ ૨૦૨૬ની એશિયન સિનિયર ચેમ્પિયનશિપમાં તે પાંચમા સ્થાને રહી હતી. હવે રાષ્ટ્રમંડળ સુવર્ણ તેની કારકિર્દીની સૌથી મોટી અને ભારતીય જુડો ઇતિહાસની અભૂતપૂર્વ સિદ્ધિ બની છે.
અસ્મિતાના વિજયના જ દિવસે હર્ષસિંહે પુરુષોના ૬૦ કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ જીતતાં ભારતે જુડોમાં ઐતિહાસિક બેવડું સુવર્ણ મેળવ્યું હતું, જ્યારે યામિની મૌર્યએ મહિલાઓના ૫૭ કિલોગ્રામ વર્ગમાં રજતચંદ્રક મેળવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ અસ્મિતા અને ભારતીય જુડો ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
