તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
આસિફ મર્ચન્ટને ૩૩૦ મહિનાની જેલ સજા
ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર પાકિસ્તાની નાગરિક : ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સાથે સંબંધોનો પર્દાફાશઃ ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા ટ્રમ્પ ઉપરાંત તે સમયના પ્રેસિડેન્ટ જો બાઇડન અને નિક્કી હેલી સહિત અમેરિકાના ટોચના નેતાઓની હત્યાનું કાવતરું: હત્યારાઓને પાંચ હજાર ડોલર આપ્યા, પરંતુ એફબીઆઈની જાળમાં ફસાઈ ગયો

ન્યૂયોર્ક, તા. ૧૯: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત યુએસએના ટોચના રાજકીય નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના ગુનામાં પાકિસ્તાનના ૪૮ વર્ષીય આસિફ મર્ચન્ટને અમેરિકાની અદાલતે ૩૩૦ મહિના એટલે કે ૨૭ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ઇશારે આ કાવતરું ઘડાયું હોવાનો અમેરિકન તપાસ એજન્સીઓનો દાવો છે. જોકે ઈરાને આવા કાવતરામાં પોતાની સંડોવણી નકારી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અગ્રણી રાજકીય નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના ચકચારી કેસમાં ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત ફેડરલ અદાલતે પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટને સાડા ૨૭ વર્ષની કેદની સજા સંભળાવી છે. અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ એરિક આર. કોમિટીએ આ ચુકાદો આપ્યો હતો. માર્ચ ૨૦૨૬માં જ્યુરીએ મર્ચન્ટને આંતરરાષ્ટ્રીય આતંકવાદી પ્રવૃત્તિનો પ્રયાસ તથા પૈસા આપીને હત્યા કરાવવાનું કાવતરું ઘડવાના ગુનામાં દોષિત ઠરાવ્યો હતો.
અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા પ્રમાણે મર્ચન્ટ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલો હતો. જાન્યુઆરી ૨૦૨૦માં અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાની લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. તેનો બદલો લેવા અમેરિકાના રાજકીય નેતાઓની હત્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંભવિત નિશાનાઓમાં ટ્રમ્પ ઉપરાંત તે સમયના રાષ્ટ્રપતિ જો બાઇડન અને નિક્કી હેલીનો પણ સમાવેશ થતો હતો.
તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે મર્ચન્ટે વર્ષ ૨૦૨૨ની આસપાસ ઈરાની સંગઠન સાથે સંબંધો સ્થાપ્યા હતા. ધાર્મિક યાત્રાઓ દરમિયાન તે વારંવાર ઈરાન જતો હતો. તેહરાનમાં લગભગ દોઢ વર્ષ દરમિયાન તેણે ઈરાની સંપર્ક અધિકારી સાથે આશરે ૧૫ બેઠકો કરી હતી. ત્યાં તેને ગુપ્તચર પ્રવૃત્તિઓ અંગે તાલીમ આપવામાં આવી હોવાનો અમેરિકન અધિકારીઓનો દાવો છે.
એપ્રિલ ૨૦૨૪માં અમેરિકા પહોંચ્યા બાદ મર્ચન્ટે રાજકીય સભામાં હત્યા કરાવવા માટે ભાડૂતી હત્યારાઓ શોધવાનું શરૂ કર્યું હતું. તેણે હત્યાઓ કરાવવા માટે જેનો સંપર્ક કરેલ તે વ્યક્તિએ એફબીઆઈને માહિતી આપી દીધી હતી. ત્યારબાદ એફબીઆઈના ગુપ્ત અધિકારીઓ ભાડૂતી હત્યારાઓ બનીને તેની સામે આવ્યા હતા. મર્ચન્ટે તેમને હત્યાના આયોજન માટે પાંચ હજાર અમેરિકન ડોલર એડવાન્સ આપ્યા હતા. જોકે હુમલો થાય તે પહેલાં જ જુલાઈ ૨૦૨૪માં ટેક્સાસમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના કરાચી સાથે સંબંધ ધરાવતા મર્ચન્ટે અદાલતમાં દલીલ કરી હતી કે ઈરાનમાં રહેતા પોતાના પરિવારની સલામતીને લઈને તે દબાણ હેઠળ હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે કોઈની હત્યા થાય તે પહેલાં અમેરિકન અધિકારીઓ કાવતરું નિષ્ફળ બનાવશે એવી તેને આશા હતી. જોકે સરકારી વકીલોએ તેની આ દલીલ સ્વીકારી નહોતી. ન્યાયાધીશે ગુનાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર મર્ચન્ટની ધરપકડ બાદ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી એજન્સીએ તેની અગાઉની પ્રવૃત્તિઓ, મુસાફરી તથા અન્ય વિગતો તપાસી હતી. પાકિસ્તાનમાં તેનો કોઈ અગાઉનો ગુનાહિત રેકોર્ડ મળ્યો ન હોવાનું સ્થાનિક તપાસ સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ ઈરાન સરકારે ટ્રમ્પ કે અન્ય અમેરિકન અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાના આરોપો નકારી કાઢ્યા છે.
અમેરિકાના એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે અમેરિકાના નેતાઓ વિરુદ્ધ વિદેશી શક્તિઓ દ્વારા ઘડાતાં આતંકવાદી કાવતરાં કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
