<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

એશિયન ગેમ્સ ૨૦૨૬: નાગોયામાં કચરાપેટી પર જાપાનીઝ પહેલાં હિન્દી અને અંગ્રેજી! આયોજકોના 'ગ્લોબલ અપ્રોચ'થી ભારતીય પત્રકાર દંગ

જાપાનમાં કચરાના ડબ્બા પર સ્થાનિક ભાષા સૌથી નીચે મૂકાઈ; ભાષાના ક્રમે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ અને સોશિયલ મીડિયા પર વાચકોનું ધ્યાન ખેંચ્યું

નાગોયા (જાપાન): જાપાનના નાગોયા શહેરમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ના કવરેજ દરમિયાન એક રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. રમતોનું કવરેજ કરવા પહોંચેલા ભારતીય સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને પ્રેઝન્ટર વિમલ કુમારે સોશિયલ મીડિયા પર નાગોયાની કચરાપેટીઓની એક તસવીર શેર કરી છે, જેમાં સૂચનાઓ લખવા માટે ભાષાઓના ક્રમે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

 

સામાન્ય રીતે જાપાનમાં દરેક જગ્યાએ જાપાનીઝ ભાષાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય એશિયન ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને નાગોયામાં કચરાપેટીઓ પર છાપવામાં આવેલી ભાષાઓના ક્રમમાં જાપાનીઝ ભાષાને સૌથી નીચે રાખવામાં આવી છે. કચરાપેટી પર ભાષાઓનો ક્રમ આ મુજબ જોવા મળ્યો હતો:

 

૧. અંગ્રેજી

 

૨. ચાઈનીઝ

 

૩. હિન્દી

 

૪. અરબી

 

૫. જાપાનીઝ

 

આ તસવીર શેર કરતાં પત્રકારે લખ્યું હતું કે, "અંગ્રેજી, ચાઈનીઝ, હિન્દી અને પછી જાપાનીઝ! નાગોયામાં આ બાબત ખરેખર અણધારી અને આશ્ચર્યજનક હતી." આ કચરાપેટીઓ કાચની બોટલો, પ્લાસ્ટિક, ડબ્બા અને સળગાવી શકાય તેવા કચરા માટે અલગ-અલગ વર્ગીકૃત કરવામાં આવી છે.

 

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થતાં જ વપરાશકર્તાઓએ જાપાનની આતિથ્ય ભાવના અને વૈશ્વિક તૈયારીઓના ભારે વખાણ કર્યા છે. વિવિધ દેશોમાંથી આવેલા ખેલાડીઓ, અધિકારીઓ અને ચાહકોને કચરાના યોગ્ય નિકાલમાં કોઈ તકલીફ ન પડે તે માટે જાપાનીઝ આયોજકોએ કરેલી આ નાની પરંતુ સૂક્ષ્મ વ્યવસ્થા જાપાનના 'વિકસિત રાષ્ટ્ર' હોવાના અભિગમને સ્પષ્ટપણે રજૂ કરે છે.

(8:49 PM IST)