News of Monday, 3rd August 2026
બ્રિજભૂષણ શરણ સિંહને કોર્ટમાંથી ક્લીનચીટ મળતાં જ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ તોડ્યું મૌન: "શરૂઆતથી જ સરકાર અને સિસ્ટમ તેમને બચાવી રહ્યા હતા, અમે આ ચુકાદા સામે અપીલ કરીશું"
દિલ્હી કોર્ટે WFI ના પૂર્વ પ્રમુખને દોષમુક્ત કર્યા બાદ મહિલા કુસ્તીબાજોનો મોટો નિર્ણય: આશા ગુમાવ્યા વિના કાનૂની લડાઈ સુપ્રીમ સ્તર સુધી ચાલુ રાખવાની કરી જાહેરાત.

નવી દિલ્હી : મહિલા કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના ગંભીર આરોપોના કેસમાં દિલ્હીની કોર્ટે કુસ્તી સંઘ (WFI) ના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા બાદ ભારતીય રેસલિંગ જગતમાં ફરી એકવાર મોટો ખળભળાટ મચી ગયો છે. કોર્ટના આ નિર્ણય બાદ દેશના સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક સંયુક્ત નિવેદન જાહેર કરીને પોતાનું મૌન તોડ્યું છે અને ચુકાદા સામે વહેલી તકે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.
વિનેશ ફોગાટે પોતાના નિવેદનમાં આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, "શરૂઆતથી જ આખી સિસ્ટમ, સરકાર અને સમગ્ર તંત્ર બ્રિજભૂષણ શરણ સિંહને પ્રોટેક્શન આપવા અને બચાવવા માટે કામ કરી રહ્યા હતા. શાસક પક્ષના એક શક્તિશાળી નેતા સામે FIR નોંધાવવા માટે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું હતું. પોતાની રાજકીય તાકાત અને દબદબાનો ઉપયોગ કરીને તેમણે ઘણી પીડિત છોકરીઓને ડરાવીને ફરિયાદો પાછી ખેંચવા મજબૂર કરી હતી."
કોર્ટના નિર્ણય પર ભારે દુઃખ વ્યક્ત કરતા વિનેશે વધુમાં ઉમેર્યું કે, "જે મહિલા કુસ્તીબાજો પોતાની લડાઈ પર અડગ રહી, તેમના આરોપોને કોર્ટે માન્ય ન રાખ્યા તેનું અમને ઊંડું દુઃખ છે. પરંતુ અમે આશા ગુમાવી નથી. તમામ મહિલા કુસ્તીબાજોએ પોતાના વકીલોને આ નિર્દોષ છૂટવાના આદેશ સામે વહેલી તકે કાનૂની અપીલ કરવાની સ્પષ્ટ સૂચના આપી દીધી છે." સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ પણ આ જ નિવેદન શેર કરીને પોતાની લડાઈ ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩ માં દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી, હુમલો અને ધાકધમકીની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સહિત દેશના ટોચના રેસલર્સે દિલ્હીના જંતર-મંતર પર મહિનાઓ સુધી વિરોધ પ્રદર્શન કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. હવે કોર્ટના ચુકાદા બાદ કુસ્તીબાજોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની ન્યાય માટેની કાનૂની લડાઈ આગળ પણ ચાલુ જ રહેશે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
