<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

મધ્યપ્રદેશના છપારામાં દિવાળીની રાત્રે મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં એક જ પરિવારના 6 લોકો જીવતા ભૂંજાઈ ગયા

- છપારાના મહાવીર વોર્ડ સ્થિત જૈન મહોલ્લામાં સોની વેપારી કુંદન સોનીના મકાનમાં સવારે અંદાજે 3:00 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી મૃતકોમાં 4 મહિલાઓ, એક વડીલ પુરુષ અને માત્ર 2 માસનું નવજાત શિશુ સામેલ

મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાંથી એક કાળજું કંપાવી દેનારી કરુણ ઘટના સામે આવી છે. જિલ્લાના છપારા નગરમાં આવેલા એક રહેણાંક મકાનમાં વહેલી પરોઢે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં એક જ પરિવારના 6 નિર્દોષ સભ્યો જીવતા ભૂંજાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોમાં 4 મહિલાઓ, એક વડીલ પુરુષ અને માત્ર 2 માસનું નવજાત શિશુ સામેલ છે.

મળતી સત્તાવાર માહિતી મુજબ, છપારાના મહાવીર વોર્ડ સ્થિત જૈન મહોલ્લામાં સોની વેપારી કુંદન સોનીનું મકાન આવેલું છે. સોમવારે વહેલી સવારે અંદાજે 3:00 વાગ્યાની આસપાસ આ મકાનમાં અચાનક અગનજ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. રાત્રિનો સમય હોવાથી પરિવારના તમામ સભ્યો ગાઢ ઊંઘમાં પોઢેલા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘરના સભ્યોને બહાર નીકળવાની કે પોતાનો જીવ બચાવવાની સહેજ પણ તક મળી નહોતી. મકાનમાંથી ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ હૃદયદ્રાવક અગ્નિકાંડમાં 77 વર્ષીય પૂરન અગ્રવાલ, તેમની ધર્મપત્ની ચંદ્રકલા, પુત્રવધૂ પૂનમ, 14 વર્ષીય આર્યા, 6 વર્ષીય અન્વી અને માત્ર 2 મહિનાના માસૂમ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. એક જ કુટુંબના ત્રણ પેઢીના સભ્યો આગની ચપેટમાં આવી જતાં સમગ્ર મહોલ્લામાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરો, સ્થાનિક વહીવટી તંત્ર અને એમ્બ્યુલન્સ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આગની ભયાનકતા એટલી વિકરાળ હતી કે રેસ્ક્યુ ટીમને મકાનની અંદર પ્રવેશવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને અંદર ફસાયેલા તમામ 6 લોકોના બળી ગયેલા મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્રાથમિક દ્રષ્ટિએ મકાનમાં શોર્ટ સર્કિ ના કારણે આ આગ લાગી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે દિવાળી હોવાથી દીવા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ ફોરેન્સિક ટીમ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં રાત્રે દિવાળીના ફટાકડા અને રોશનીનો માહોલ હતો, ત્યાં સવાર થતાં જ 6 માનવ જિંદગીઓ રાખ થઈ જતાં સમગ્ર સિઓની જિલ્લો હિબકે ચઢ્યો છે

(1:22 PM IST)