<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

જમ્મુ કાશ્મીરના કુલગામમાં ડાંગરની ખેતી ઘટતાં સફરજનના બગીચાઓનો વિસ્તાર વધ્યો : કૃષિ અર્થતંત્રમાં મોટો બદલાવ

ચોખાના ઉત્પાદન માટે જાણીતા કાશ્મીરના કુલગામમાં હવે સફરજનની ખેતી બમણાથી વધુ વિસ્તારમાં : કોલ્ડ સ્ટોરેજ અને નવી ફળમંડીથી રોજગારીની તકો વધશે

જમ્મુ, તા. ૩ : એક સમયે ‘કાશ્મીરના ચોખાના કટોરા’ તરીકે ઓળખાતો કુલગામ જિલ્લો હવે સફરજનની ખેતીનું મોટું કેન્દ્ર બની રહ્યો છે. સરકારી આંકડા મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં જિલ્લામાં ૬,૯૫૧ હેક્ટરમાં ડાંગરની ખેતી સામે ૧૮,૨૫૫ હેક્ટરમાં સફરજનના બગીચા હતા. ખેડૂતો પરંપરાગત ડાંગરની ખેતી છોડીને સફરજન તરફ વળી રહ્યા છે.

 

સફરજનના વધતા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને કુલ ૧૦ હજાર મેટ્રિક ટન ક્ષમતાવાળા બે કોલ્ડ સ્ટોરેજ કાર્યરત કરાયા છે, જેમાં અંદાજે પાંચ લાખ સફરજનના બોક્સ સંગ્રહી શકાય છે. વધુ બે કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ચારેય પ્રોજેક્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ અને આશરે ૧૨૦ કાયમી નોકરીઓની સંભાવના છે. મોસમી રોજગારી પણ વધશે. દરમિયાન આદિપોરામાં નવી ફળમંડી માટે ૨૫૦ કનાલ સરકારી જમીન ઓળખવામાં આવી છે.

(12:58 PM IST)