તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ઇમરાન ખાનની મુશ્કેલી વધતાં મુંબઈ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા: "ભારત છોડો" ની નોટિસ સામે આપ્યો કાનૂની પડકાર
૨૮ ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાના FRRO ના આદેશ સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન: OCI કાર્ડ રદ કરવાની કવાયત વચ્ચે બે વર્ષની ઉંમરથી ભારતમાં વસવાટ કરતા ઇમરાન ખાને વચગાળાની રોક માંગતાં રાજકીય અને બોલિવૂડ વર્તુળોમાં મોટો વિવાદ

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા અને આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાન માટે કાનૂની અને વિઝા સંબંધિત મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ દ્વારા ઇમરાન ખાનને કારણદર્શક નોટિસ જારી કરીને તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ કેમ રદ ન કરવું તેનો ૧૫ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. એટલું જ નહીં, FRRO એ તેમને ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં તાત્કાલિક ભારત છોડી દેવાનો આદેશ આપ્યો છે. આ આકરા પગલાં સામે અભિનેતાએ મુંબઈ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને દેશનિકાલના નોટિસ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે.
MZM લીગલ LLP વતી વિખ્યાત વકીલો ઝુલ્ફીકાર મેમણ, પરવેઝ મેમણ અને ચિરાગ નાયક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે ઇમરાન ખાન માત્ર બે વર્ષની ઉંમરથી ભારતમાં રહે છે અને તેમનું ઘર, પરિવાર તથા આજીવિકા અહીં જ છે. અરજીમાં ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ 2025 નો ઉલ્લેખ કરીને દલીલ કરવામાં આવી છે કે નોટિસમાં કઈ જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી અને માત્ર એક યુએસ નાગરિક ગણીને OCI ધારક તરીકેના તેમના દીર્ઘકાલીન રહેઠાણના અધિકારોની અવગણના કરવામાં આવી છે. સોમવારે કોર્ટમાં આ પિટિશન પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ થઈ હતી, જ્યારે ઇમરાન ખાને મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાયેલા CJP ના વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી હતી. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ફરિયાદ નોંધાવી હતી કે અમેરિકન નાગરિકતા ધરાવતા OCI કાર્ડધારક વ્યક્તિ રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈને વિઝા અને ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેના આધારે FRRO એ કડક નોટિસ જારી કરી હતી, જેની સામે અરજીમાં દાવો કરાયો છે કે OCI ધારકોને વિરોધ પ્રદર્શન પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી અને માત્ર જામીનપાત્ર FIR ના આધારે દેશનિકાલ કરવાનો નિર્ણય અત્યંત પ્રતિક્રિયાશીલ અને ગેરવાજબી છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
