News of Friday, 13th November 2026
અરવિંદ કેજરીવાલ અને પુત્રીની હત્યાની ધમકીઃ લોરેન્સ ગેંગના નામે માંગી ૭ કરોડની ખંડણી
ધારાસભ્ય જરનૈલ સિંહને ફોન અને વોટ્સએપ પર મળી ધમકી

નવી દિલ્હી,તા.૧૩: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિદ કેજરીવાલ તથા તેમની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીએ બંનેનો જીવ બચાવવા માટે ૭ કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ સનસનાટીભરી ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ફોન કરનાર શખ્સે પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય તરીકે આપી હતી. ધારરાસભ્ય જરનૈલ સિહને ફોન અને વોટ્સએપ મેસેજ કરીને આ ધમકી આપી હતી. આ મામલે ધારાસભ્યની ફરિયાદના આધારે મોહાલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીના તિલક નગર વિસ્તારથી આપના ધારાસભ્ય જરનૈલ સિહે ૬ નવેમ્બરના રોજ મોહાલીના SSP ને આ અંગે લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદ મુજબ તેમના અંગત મોબાઈલ નંબર પર એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. ત્યારબાદ તે જ નંબર પરથી વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો. આરોપીના વોટ્સએપ પ્રોફાઇલ પર 'H' અક્ષર લખેલો જોવા મળ્યો હતો.
ફોન કરનાર શખ્સે પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય તરીકે આપી હતી. તેણે ધારાસભ્યને કહ્યું કે કેજરીવાલને ૭ કરોડ રૂપિયા આપી દેવાનું કહી દેજો, નહીંતર તેમને અને તેમની પુત્રીને જાનથી મારી નાખવામાં આવશે. આરોપીએ ફોન ઉપરાંત લેખિત સંદેશમાં પણ ખંડણીની માંગ દોહરાવી હતી. ધારાસભ્યને માધ્યમ બનાવીને કેજરીવાલ સુધી આ ધમકી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ મામલો ગુનાહિત ધમકી અને ખંડણીનો જણાયો છે. મોહાલી સાયબર ક્રાઈમ પોલીસે BNS ની કલમ ૩૦૮(૪), ૩૫૧(૨), ૩૫૧(૩), ૩૫૧(૪), ૧૧૧(૨) અને IT એક્ટની કલમ 66D હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસ ઇન્સ્પેક્ટર સુનીલ કુમારને સોંપવામાં આવી છે. ધારાસભ્યએ આરોપીની કોલ ડિટેલ રેકોર્ડ (CDR), IP લોગ અને લોકેશન ટ્રેસ કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને કેજરીવાલ અને તેમના પરિવારની સુરક્ષા માટે માગ કરી છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
