<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

E20 મિશ્રિત પેટ્રોલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે અરવિંદ કેજરીવાલ આક્રમક: "જો વિકલ્પ નહીં મળે તો ૪ ઓગસ્ટે પીએમ આવાસ સુધી યોજાશે વિરોધ માર્ચ!"

'નેશનલ ટાઉન હોલ' માં આપ નેતાએ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો; ૩૦ કરોડ વાહનોને ભંગાર બનાવવાનો આરોપ લગાવી જનતા સમક્ષ મૂકી ૩ મુખ્ય માગણીઓ

નવી દિલ્હી : દેશમાં ઈથેનોલ મિશ્રિત E20 પેટ્રોલ (20% ઈથેનોલ અને 80% પેટ્રોલ) ના ઉપયોગને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે નવી દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે આયોજિત 'નેશનલ ટાઉન હોલ' માં કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો હતો. કેજરીવાલે જાહેરાત કરી હતી કે જો પેટ્રોલ પંપ પર ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ અને E20 પેટ્રોલ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં નહીં આવે, તો તેઓ ૪ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન સુધી માર્ચ નીકાળશે.

"જબરદસ્તીથી કેમ થોપવામાં આવે છે E20 ફ્યૂઅલ?"

ટાઉન હોલ બેઠકને સંબોધતા અરવિંદ કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જો ઈથેનોલ મિશ્રિત ઈંધણથી દેશના વાહનચાલકો કે આમ જનતાને કોઈ આર્થિક ફાયદો થઈ રહ્યો નથી, તો પછી તેને બળજબરીપૂર્વક લોકો પર કેમ થોપવામાં આવી રહ્યું છે? તેમણે દાવો કર્યો હતો કે, E20 ઈંધણના ઉપયોગથી વાહનોનું માઈલેજ ઘટી રહ્યું છે, સ્પેર પાર્ટ્સ ખરાબ થઈ રહ્યા છે અને ગ્રાહકોનો મેન્ટેનન્સ ખર્ચ વધી રહ્યો છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે તેનાથી ખેડૂતોને પણ યોગ્ય લાભ મળી રહ્યો નથી કે વિદેશી મુદ્રાની બચત થતી નથી. કેજરીવાલે આક્ષેપ કર્યો કે સરકાર દેશના લગભગ ૩૦ કરોડ જૂના વાહનોને કચરો/ભંગાર બનાવવાની દિશામાં ધકેલી રહી છે.

કેજરીવાલે સરકાર સમક્ષ રજૂ કરી ૩ મોટી માગણીઓ

અરવિંદ કેજરીવાલે દેશભરના વાહનચાલકો વતી કેન્દ્ર સરકાર સમક્ષ સ્પષ્ટ ૩ શરતો/માગણીઓ રજૂ કરી છે:

૧. પસંદગીનો અધિકાર: દરેક પેટ્રોલ પંપ પર ગ્રાહકોને E20 મિશ્રિત ઈંધણ અને સામાન્ય (શુદ્ધ) પેટ્રોલ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ મળવો જોઈએ.

૨. ભાવમાં તફાવત: ઈથેનોલ મિશ્રિત E20 પેટ્રોલની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં નોંધપાત્ર રીતે સસ્તી હોવી જોઈએ.

૩. ભાવ ઘટાડો: દેશમાં શુદ્ધ પેટ્રોલનો મૂળ ભાવ ઘટાડીને ૮૪ રૂપિયા પ્રતિ લીટરથી ઓછો કરવો જોઈએ.

૩ ઓગસ્ટ સુધી અરજીઓ એકત્ર કરી યોજાશે શાંતિપૂર્ણ માર્ચ

આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે તેઓ ૩ ઓગસ્ટની બપોર સુધીમાં દેશભરના વાહનચાલકો અને જનતાની ઈ-પિટિશન અને અરજીઓ એકત્ર કરશે. ત્યારબાદ ૪ ઓગસ્ટે બપોરે ૧૨ વાગ્યે તેઓ લગભગ ૧૦૦ લોકોના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી સ્થિત લોક કલ્યાણ માર્ગ પર આવેલા વડાપ્રધાન આવાસ તરફ શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજીને આ અરજીઓ પીએમ કાર્યાલયને સુપ્રત કરશે. તેમણે માંગ કરી હતી કે સરકારે તે રિપોર્ટ પણ જાહેર કરવો જોઈએ જેના આધારે તે દાવો કરે છે કે E20 પેટ્રોલથી વાહનોને કોઈ નુકસાન થતું નથી.

"જેમ જંતર મંતર પર યુવાનોના આંદોલને સરકારને ઝૂકવા મજબૂર કરી હતી, તેમ જ જ્યારે જનતા જેલ કે લાઠીચાર્જથી ડરતી નથી ત્યારે સત્તાનો તખ્તો હલી જાય છે. E20 પેટ્રોલ મુદ્દે પણ દેશના વાહનચાલકોએ પોતાનો અવાજ બુલંદ કરવો પડશે."

— અરવિંદ કેજરીવાલ

(9:55 PM IST)