તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
એઆઈ મોડેલ ‘ક્લોડ’ને નૈતિકતા અને સદ્ગુણોના પાઠ ભણાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી અમેરિકન કંપનીએ ભારતીય સંત સ્વામી સર્વપ્રિયાનંદને ખાસ આમંત્રણ મોકલીને સાન ફ્રાન્સિસ્કો બોલાવ્યા: કૃત્રિમ બુદ્ધિમત્તાને સંસ્કારી અને દયાળુ બનાવવા માટે વેદાંત દર્શન અને પ્રાચીન ભારતીય આધ્યાત્મિક જ્ઞાનનો સહારા લેવાનો આયોજકોનો પ્રયોગ
સિલિકોન વેલીમાં ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ: ન્યૂયોર્કના વેદાંત સોસાયટીના અધ્યક્ષ અને રામકૃષ્ણ મિશનના સંન્યાસી સાથે ગોપનીય બેઠકો યોજી એઆઈ સિસ્ટમમાં 'માનવીય સંવેદના' અને દર્શનશાસ્ત્ર ઉમેરવાની કવાયત; ધર્મગુરુઓ, ચિંતકો અને મનોવૈજ્ઞાનિકોની મદદથી 'ક્લોડ' માટે નવો નૈતિક માર્ગદર્શક પથ તૈયાર કરાયો

સાન ફ્રાન્સિસ્કો / ન્યૂયોર્ક: વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે હવે ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજોને એ વાતનો ડર પણ સતાવી રહ્યો છે કે ક્યાંક આ અતિ-આધુનિક બુદ્ધિમત્તા માનવજાત માટે વિનાશક સાબિત ન થાય. આ જ ચિંતાના ઉકેલ રૂપે, વિશ્વની અગ્રણી એઆઈ સંશોધન કંપની 'એન્થ્રોપિક' (Anthropic) દ્વારા પોતાના પ્રખ્યાત એઆઈ મોડેલ 'ક્લોડ' (Claude) ની તાલીમ માટે એક અત્યંત અનોખો અને ઐતિહાસિક પ્રયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ પોતાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામને સદગુણો, નૈતિક મૂલ્યો અને યોગ્ય-અયોગ્યનો ભેદ શીખવવા માટે ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના અધ્યક્ષ અને ભારતીય સંત સ્વામી સર્વપ્રિયાનંદને ખાસ આમંત્રણ આપી સાન ફ્રાન્સિસ્કો સ્થિત હેડક્વાર્ટર ખાતે બોલાવ્યા હતા.
ટેકનોલોજીની આ સૌથી મોટી લેબમાં એક ભારતીય સંન્યાસી સાથેની આ બેઠકે સમગ્ર ટેક-જગતમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, એન્થ્રોપિક કંપનીએ શરૂઆતમાં સ્વામી સર્વપ્રિયાનંદનો ઓનલાઈન ઈન્ટરવ્યુ લીધો હતો અને ત્યારબાદ તેમને પોતાના ખર્ચે સાન ફ્રાન્સિસ્કો આવવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ પ્રવાસ અને હોટેલનું બુકિંગ પણ કંપનીએ પોતાની એઆઈ સિસ્ટમ દ્વારા જ કરાવ્યું હતું.
નૈતિકતા અને 'આત્મા' અંગે કલાક સુધી મંથન
કંપનીના મુખ્ય મથકે પહોંચ્યા બાદ સ્વામી સર્વપ્રિયાનંદે કંપનીના સહ-સ્થાપકો અને વરિષ્ઠ એઆઈ વૈજ્ઞાનિકો સાથે કલાકો સુધી ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી આ વિશેષ પરિષદમાં માત્ર ટેકનોલોજીસ્ટ જ નહીં, પરંતુ વિશ્વના વિવિધ ધર્મોના વિદ્વાનો, ધર્મશાસ્ત્રીઓ, કાઉન્સિલરો અને માનસિક આરોગ્ય નિષ્ણાતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ભારતીય વેદાંત દર્શન અને ભગવદ્ ગીતા જેવા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલા મૂલ્યોના આધારે એઆઈને નૈતિક માર્ગદર્શન કેવી રીતે આપવું તે અંગે વિગતવાર વિચારવિમર્શ થયો હતો. કંપની એ સમજવા માગે છે કે જ્યારે એઆઈ સામે જટિલ પરિસ્થિતિઓ આવે ત્યારે તે માત્ર કમ્પ્યુટર કોડિંગ કે નિયમોના આધારે જ નિર્ણય ન લે, પરંતુ તેમાં માનવીય દયા, વિવેક અને સદ્ગુણનો સમાવેશ થાય.
બિન-પ્રકાશન કરાર (NDA) હેઠળ ગુપ્ત બેઠકો
સ્વામી સર્વપ્રિયાનંદે તાજેતરમાં એક પ્રવચન દરમિયાન આ બેઠકનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કંપનીએ તેમની પાસેથી બિન-પ્રકાશન કરાર (NDA) પર હસ્તાક્ષર કરાવ્યા હતા, જેના કારણે તે ચર્ચાની બધી ટેકનિકલ વિગતો જાહેર કરી શકતા નથી. જોકે, તેમણે સંકેત આપ્યો હતો કે કંપની દ્વારા તેમને 'પ્રોજેક્ટ ગ્લાસવિંગ' અને 'માયથોસ' જેવા કેટલાક અત્યંત ગુપ્ત અને આધુનિક એઆઈ પ્રોજેક્ટ્સની ઝાંખી પણ કરાવવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, એઆઈ નિર્માતાઓ અત્યારે ટેકનોલોજીની અકલ્પનીય પ્રગતિ જોઈને એકતરફ ઉત્સાહિત છે તો બીજી તરફ ભવિષ્યના જોખમોથી અત્યંત ભયભીત પણ છે. કંપનીના નિષ્ણાતો માને છે કે જો એઆઈ સિસ્ટમ્સમાં યોગ્ય નૈતિક સીમાચિહ્નો (Guardrails) ન મૂકવામાં આવે તો તે ભવિષ્યમાં માનવજાત માટે મોટો પડકાર બની શકે છે.
માત્ર કોડિંગથી મૂલ્યો નથી મળતા: 'સોલ ડોક્યુમેન્ટ'નો ખ્યાલ
અત્યાર સુધી એઆઈ મોડેલ્સને ચોક્કસ આદેશો કે નકારાત્મક નિયમો આપીને અટકાવવામાં આવતા હતા (જેમ કે 'બૉમ્બ બનાવવાની રીત ન બતાવો'). પરંતુ એન્થ્રોપિક કંપની હવે એઆઈના આંતરિક 'નૈતિક ઘડતર' (Moral Formation) પર કામ કરી રહી છે, જેને કંપની આંતરિક રીતે 'સોલ ડોક્યુમેન્ટ' (Soul Doc) અથવા બંધારણ પણ કહે છે.
વેદાંત શાસ્ત્રમાં માનવ ચેતના અને અહંકાર અંગે ઊંડું ચિંતન છે. સ્વામી વિવેકાનંદના વિચારોને અનુસરતા સ્વામી સર્વપ્રિયાનંદે સમજાવ્યું હતું કે, બુદ્ધિમત્તા (Intelligence) અને ચેતના (Consciousness) એ બંને અલગ બાબતો છે. મશીન ભલે ઉત્તમ વિચારી શકે કે લખી શકે, પરંતુ શું તેની પાસે પોતાની કોઈ સંવેદના કે આત્મા છે? આ સવાલનો જવાબ મેળવવા માટે જ સિલિકોન વેલીએ ભારતીય અધ્યાત્મ અને પ્રાચીન દર્શન તરફ વળવું પડ્યું છે.
કંપની દ્વારા માત્ર હિન્દુ દર્શન જ નહીં પરંતુ કેથોલિક, યહૂદી, સિખ અને ઈવેન્જેલિકલ સંપ્રદાયના ધર્મગુરુઓ સાથે પણ ચર્ચાઓ યોજવામાં આવી છે જેથી ક્લોડ એઆઈને સર્વગ્રાહી અને નિષ્પક્ષ નૈતિક દૃષ્ટિકોણ આપી શકાય. સ્વામી સર્વપ્રિયાનંદે ટેકનોલોજીના આ યુગમાં લોકોને પોતાની આંતરિક સાધના, ધ્યાન અને માનવ સેવા પર ધ્યાન કેન્દ્રિત રાખીને સંતુલન જાળવી રાખવા માટે પણ અનુરોધ કર્યો હતો.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
