<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

બિહારની પવિત્ર ભૂમિ રાજગીરમાં ૩૩ કરોડ દેવતાઓનું આગમન: ૧૭ મેથી શરૂ થશે વિશ્વપ્રસિદ્ધ 'પુરુષોત્તમ માસ મેળો', જર્મન ટેકનોલોજીથી ભક્તો માટે વસાવાશે અત્યાધુનિક ટેન્ટ સિટી!

બ્રહ્મકુંડના શાહી સ્નાન માટે ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ; ડ્રોનથી રખાશે બાજ નજર, એક મહિના સુધી આકાશમાં કાગડા નહીં દેખાય તેવી અનોખી પ્રાચીન માન્યતા

રાજગીર (બિહાર), તા.૧૩: બિહારની પવિત્ર ભૂમિ રાજગીર ફરી એકવાર ઈતિહાસ રચવા તૈયાર છે. દર ત્રણ વર્ષે યોજાતો આસ્થાનો મહાકુંભ એટલે કે 'પુરુષોત્તમ માસ મેળો' (અધિક માસ મેળો) આગામી ૧૭ મે ૨૦૨૬ થી ૧૫ જૂન ૨૦૨૬ દરમિયાન યોજાશે. એવી પૌરાણિક માન્યતા છે કે આ પવિત્ર માસ દરમિયાન બ્રહ્માંડના ૩૩ કરોડ દેવી-દેવતાઓ સ્વર્ગ છોડીને એક મહિના માટે રાજગીરમાં નિવાસ કરે છે. આ દિવ્ય મેળાવડા માટે નાલંદા જિલ્લા પ્રશાસને યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કુંભ જેવો ઠાઠ: બ્રહ્મકુંડમાં 'શાહી સ્નાન'નું અનેરું મહત્વ

આ મેળાનું મુખ્ય આકર્ષણ બ્રહ્મકુંડ અને સપ્તધારામાં થતું શાહી સ્નાન છે. સાધુ-સંતો અને ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવતા આ સામૂહિક સ્નાનને કુંભ મેળા જેવો જ દરજ્જો આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩ માં અંદાજે ૧.૯ કરોડ ભક્તોએ અહીં પવિત્ર ડૂબકી લગાવી હતી. ભક્તો માને છે કે અધિક માસમાં અહીં સ્નાન કરવાથી તમામ પાપો ધોવાઈ જાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજગીરમાં ૨૨ પવિત્ર તળાવો અને ૫૨ પ્રવાહો આવેલા છે.

ભક્તો માટે હાઈટેક સુવિધાઓ અને સુરક્ષા

નાલંદા જિલ્લા મેજિસ્ટ્રેટ કુંદન કુમારના જણાવ્યા મુજબ, લાખો ભક્તોની સુવિધા માટે 'જર્મન હેંગર ટેકનોલોજી'થી બનેલા ભવ્ય ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેન્ટ સિટીમાં રહેવા-જમવાની વ્યવસ્થા ઉપરાંત અસ્થાયી હોસ્પિટલ, પોલીસ કંટ્રોલ રૂમ અને મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ રહેશે. સુરક્ષા માટે ૩૮ પોલીસ સહાયતા કેન્દ્રો અને ભીડ પર નિયંત્રણ રાખવા માટે ડ્રોન કેમેરાથી સતત દેખરેખ રાખવામાં આવશે. ભક્તોને સસ્તું ભોજન મળી રહે તે માટે 'દીદી કી રસોઈ' અને રોટલી કેન્દ્રો પણ કાર્યરત રહેશે.

એક મહિના સુધી કાગડા કેમ નથી દેખાતા?

રાજગીરના આ મેળા સાથે એક અત્યંત રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે કે રાજા વાસુએ જ્યારે બ્રહ્મકુંડ પર યજ્ઞ કર્યો, ત્યારે તેમણે તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતુ કાગડાઓને ભૂલી ગયા હતા. ત્યારથી, શ્રાપ અથવા વિયોગને કારણે પુરુષોત્તમ માસના આખા મહિના દરમિયાન રાજગીરના આકાશમાં એક પણ કાગડો જોવા મળતો નથી. વિજ્ઞાન અને આસ્થાના આ અનોખા સંગમને જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ રાજગીર પહોંચી રહ્યા છે. પટનાથી ૧૦૦ કિલોમીટર દૂર સ્થિત રાજગીર હવે ભક્તિના રંગે રંગાવા સજ્જ છે.

(4:37 PM IST)