તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
રાજ્યની ૭૦ જેટલી બી.એડ. કૉલેજો એનસીટીઈના માપદંડ ભંગ બદલ સરકારના સકંજામાં: અંદાજે ૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાતા શિક્ષણ વિભાગ હરકતમાં
ગીર સોમનાથની કૉલેજમાં ગેરરીતિ બહાર આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનરનો મોટો સપાટો: દસ્તાવેજો જમા ન કરનાર સંસ્થાઓ સામે કડક કાર્યવાહીના એંધાણ

અમદાવાદ : રાજ્યના શિક્ષણ જગતમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની એક બી.એડ. કૉલેજમાં સામે આવેલી ગેરરીતિઓની તપાસના આધારે રાજ્યભરની અંદાજે ૭૦ જેટલી ખાનગી બી.એડ. કૉલેજો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન (NCTE) ના નિયમો અને માપદંડોનું પાલન કરતી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જરૂરી મંજૂરીઓ અને દસ્તાવેજો વિના ધમધમી રહેલી આ સંસ્થાઓ હવે સરકાર અને ઉચ્ચ શિક્ષણ વિભાગની સીધી રડાર હેઠળ આવી ગઈ છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે.
શિક્ષણ વિભાગના ઉચ્ચ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં કુલ ૩૬૬ બેચલર ઓફ એજ્યુકેશન (બી.એડ.) કૉલેજો કાર્યરત છે. એનસીટીઈ દ્વારા આ તમામ ખાનગી કૉલેજોને તેમના જરૂરી દસ્તાવેજો અને અહેવાલો અધિકૃત પોર્ટલ પર અપલોડ કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જોકે, પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા મુજબ માત્ર ૨૯૬ કૉલેજોએ જ પોતાના રિપોર્ટ સબમિટ કર્યા છે, જ્યારે આશરે ૭૦ ખાનગી કૉલેજો હજુ સુધી જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આ કૉલેજોમાં હાલ અંદાજે ૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાથી તેમનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કૉલેજની મંજૂરી પ્રક્રિયામાં સામે આવેલી ગંભીર વિસંગતતાઓને પગલે આ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મા'મેલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા દ્વારા સંબંધિત સંસ્થાઓને તાકીદના પત્રો પાઠવવામાં આવ્યા છે. જેમાં પ્રક્રિયા ઝડપી બનાવીને બાકી રહેલા તમામ અહેવાલો વહેલી તકે સબમિટ કરવા કડક નિર્દેશો અપાયા હોવાનું જાણવા મળે છે.
શિક્ષણ નિષ્ણાતોના મતે, નિયમ અનુસાર માત્ર ફરજિયાત એનસીટીઈની માન્યતા ધરાવતી સંસ્થાઓને જ યુનિવર્સિટીઓની સંલગ્નતા (Affiliation) મળવી જોઈએ. યુનિવર્સિટીઓ દ્વારા પણ સ્થાનિક તપાસ સમિતિઓ મોકલીને નિયમનકારી માપદંડોની ચકાસણી કરવામાં આવતી હોય છે. જો કોઈ યુનિવર્સિટીએ માન્યતા ચકાસ્યા વગર જ આવી કૉલેજોને મંજૂરી આપી હોય તો તેમની જવાબદારી પણ તંત્ર દ્વારા નક્કી થઈ શકે છે. હાલ તો હજારો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા કૉલેજો પાસે વિલંબ વિના તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂરી કરાવવાની છે, અને જો બેદરકારી દાખવવામાં આવશે તો કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
