<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

‘મોદી સરકારના ૨૦૦ જેટલા અધિકારીઓ અમારા ટચમાં છે, ED-CBI અને વિદેશ મંત્રાલયની તમામ ઇનસાઇડ ખબરો અમને મળે છે’: રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર સણસણતો પ્રહાર!

દિલ્હીને કિલ્લો બનાવી દેવાયો, ટ્રેનો-બસો રોકાઈ પણ ૫૦% પોલીસકર્મીઓ પણ વિપક્ષી આંદોલનના સમર્થનમાં: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કૉંગ્રેસ નેતાની વિસ્ફોટક પત્રકાર પરિષદ

નવી દિલ્હી, તા.૧૨: કેન્દ્ર સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડતા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે એક વિસ્ફોટક પત્રકાર પરિષદ યોજીને રાજકીય ગરમાવો લાવી દીધો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારના ED, CBI અને વિદેશ મંત્રાલય સહિતના વિભાગોના અંદાજે ૨૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ વિપક્ષના સીધા સંપર્કમાં છે અને અંદરની તમામ ગુપ્ત માહિતીઓ તેમને પહોંચાડી રહ્યા છે. તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે, "તમારે જે કરવું હોય તે કરી લો, પણ સત્ય વિપક્ષની સાથે છે."

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓ સામે વિપક્ષ જે અવાજ ઉઠાવી રહ્યો છે તેને દબાવવા માટે સમગ્ર દિલ્હીને એક મજબૂત કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનને રોકવા માટે ટ્રેનો અને બસોમાંથી આવી રહેલા સામાન્ય લોકોને અટકાવવામાં આવી રહ્યા છે, અને વિપક્ષને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી રહી નથી.

આ સાથે જ તેમણે દિલ્હી પોલીસ, CRPF અને ITBPના જવાનોની સ્થિતિ અંગે સનસનાટીભર્યો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે સુરક્ષા દળોના ૫૦ ટકા જેટલા કર્મચારીઓ પણ યુવાનો પર થઈ રહેલી કાર્યવાહીથી નારાજ છે અને આડકતરી રીતે વિપક્ષના આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ખુદ પોલીસકર્મીઓ તેમને જણાવી રહ્યા છે કે અન્યાય સામે અવાજ ઉઠાવતા યુવાનો પર કરવામાં આવી રહેલી આવી સખત કાર્યવાહીથી વહીવટીતંત્ર પોતે પણ અંદરથી પરેશાન છે.

ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી દોહરાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી કમિશનરનો બચાવ કરી રહ્યા છે, જે બતાવે છે કે સરકાર ખૂબ મોટી ભૂલ કરી રહી છે. ભાજપ અને RSS દ્વારા યુવાનોનો અવાજ કચડી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ મૂકીને તેમણે સ્પષ્ટ કર્યું કે વોટ ચોરી અને મતદાર યાદીઓની ગેરરીતિઓ સામે વિપક્ષી દળોનો આ સત્યાગ્રહ આગળ પણ ચાલુ જ રહેશે.

(4:47 PM IST)