તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
AI અને ડીપફેક વિરુદ્ધ અર્જુન કપૂર મેદાને: પર્સનાલિટી રાઈટ્સ માટે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- "બધી સામગ્રી પર પ્રતિબંધ ન મૂકી શકાય"
અભિનેતાના ફોટા અને અવાજનો ખોટો ઉપયોગ રોકવા કાયદાકીય લડત; જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓ માટે અભિવ્યક્તિ અને બદનક્ષી વચ્ચે પાતળી ભેદરેખા હોવાનું કોર્ટનું અવલોકન

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં સેલિબ્રિટીઝની ઓળખ સાથે થતી છેડછાડનો મુદ્દો હવે ગંભીર બન્યો છે. બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે પોતાના 'પર્સનાલિટી રાઈટ્સ' (વ્યક્તિત્વના અધિકારો) ના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી છે. અર્જુન કપૂરે આક્ષેપ કર્યો છે કે તેના નામે ડીપફેક વીડિયો, એઆઈ-જનરેટેડ વાંધાજનક સામગ્રી અને તેની પરવાનગી વગર તેની ઓળખનો વ્યાપારી હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બુધવારે જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની ખંડપીઠ સમક્ષ આ મામલે સુનાવણી થઈ હતી. અર્જુન કપૂર તરફથી હાજર રહેલા વકીલ પ્રવીણ આનંદે કોર્ટને જણાવ્યું હતું કે, અભિનેતાની છબીને વિકૃત કરીને સોશિયલ મીડિયા પર વાંધાજનક સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહી છે. તેમણે દલીલ કરી હતી કે આ માત્ર મનોરંજન નથી પણ કોઈની ઓળખને નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે. તેમણે કહ્યું કે, "આવી બાબત કોઈને ગમશે નહીં, સામાન્ય માણસને પણ નહીં."
જોકે, સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓ અંગે એક મહત્વની ટિપ્પણી કરી હતી. જસ્ટિસ ગેડેલાએ અવલોકન કર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ જાહેર જીવનમાં હોય ત્યારે ઘણી બધી બાબતો બનતી હોય છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે જો સામગ્રી બદનક્ષીભરી અથવા અપમાનજનક હોય તો તેને સમજી શકાય છે, પરંતુ સેલિબ્રિટી સાથે જોડાયેલી દરેક બાબત પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. જો તેમ કરવામાં આવે તો અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાકીય જોગવાઈઓ વચ્ચે સંતુલન જોખમાઈ શકે છે.
નોંધનીય છે કે અર્જુન કપૂર પહેલા સલમાન ખાન, અનિલ કપૂર, ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો પણ પોતાના પર્સનાલિટી રાઈટ્સ માટે કોર્ટના શરણ લઈ ચૂક્યા છે. આ કિસ્સામાં કોર્ટ વચગાળાની રાહત અંગે પોતાનો વિગતવાર આદેશ હવે પછી જાહેર કરશે. ટેક્નોલોજીના દુરુપયોગ સામે બોલિવૂડ કલાકારોની આ વધતી જતી કાયદાકીય લડત આગામી સમયમાં ડિજિટલ સામગ્રીના નિયમો માટે પાયારૂપ બની શકે છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
