તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
શું દવાઓ માટે વધુ પૈસા ચૂકવી રહ્યા છો?હવે મોંઘી દવાથી મળશે મુક્તિ: સરકારની Pharma Sahi Daam એપથી જાણો દવાની સાચી MRP
ડિકલ સ્ટોર્સ દ્વારા વસૂલવામાં આવતા મનસ્વી ભાવો પર લગામ લગાવવા માટે સરકારે આ ડિજિટલ પગલું ભર્યું

માથાના દુખાવાથી લઈને તાવ સુધીની સામાન્ય બીમારીઓ માટે પણ આપણે મેડિકલ સ્ટોર પરથી દવાઓ ખરીદીએ છીએ. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે એક જ દવા અલગ-અલગ મેડિકલ સ્ટોર પર અલગ-અલગ ભાવે મળતી હોય છે. આ સિવાય ઓનલાઈન અને ઓફલાઈન ખરીદીમાં પણ ભાવનો ઘણો તફાવત જોવા મળે છે. ક્યારેક જાણતા-અજાણતા લોકો દવાઓ માટે વધુ પૈસા ચૂકવી દેતા હોય છે.
ગ્રાહકો સાથે થતી આવી છેતરપિંડી રોકવા અને દવાઓની સાચી કિંમત જાણવા માટે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) દ્વારા 'Pharma Sahi Daam' નામનું પોર્ટલ અને મોબાઈલ એપ રજૂ કરવામાં આવી છે.
આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને દવાઓ તેની વ્યાજબી અને સરકારી નિયમ મુજબની સાચી કિંમતે મળે તે સુનિશ્ચિત કરવાનો છે. મેડિકલ સ્ટોર્સ દ્વારા વસૂલવામાં આવતા મનસ્વી ભાવો પર લગામ લગાવવા માટે સરકારે આ ડિજિટલ પગલું ભર્યું છે.
આ સરકારી સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે-
- સૌપ્રથમ NPPAના ઓફિશિયલ Pharma Sahi Daam પોર્ટલ અથવા મોબાઈલ એપ પર જાઓ.
- સર્ચ બોક્સમાં તમારી દવા અથવા તેના બ્રાન્ડનું નામ ટાઈપ કરો.
- સ્ક્રીન પર દેખાતી યાદીમાંથી તમારી દવા પસંદ કરો. આ માટે દવાની Strength, Pack Size, Dosage Form અને Manufacturer ખાસ ચકાસી લો.
- હવે સ્ક્રીન પર દેખાતી સરકારી MRPને તમારા દવાના પેકેટ અથવા મેડિકલ સ્ટોર વાળાએ જણાવેલા ભાવ સાથે સરખાવો.
આ એપમાં કોઈપણ દવાની વિગત શોધતા તમને નીચે મુજબની માહિતી મળશે-
- દવાની મહત્તમ કિંમત (MRP)
- સેલિંગ પ્રાઈસ (વેચાણ કિંમત)
- ઉત્પાદક કંપનીનું નામ (Manufacturer)
- પેક સાઈઝ અને કમ્પોઝિશન (ઘટકો)
- એ જ કમ્પોઝિશન ધરાવતી અન્ય બ્રાન્ડ્સ અને તેમની સરખામણી
માત્ર MRP જોવી પૂરતી નથી, દવાની સરખામણી કરતી વખતે આ બાબતો પણ ધ્યાને લેવી જોઈએ- જેમ કે,
હંમેશા એક સરખા કમ્પોઝિશન અને ક્ષમતા ધરાવતી દવાની સરખામણી કરો.
પેકિંગ સાઈઝ અને ડોઝ ફોર્મ (ટેબ્લેટ, સિરપ વગેરે) સમાન હોવા જોઈએ.
ઉત્પાદન તારીખ ચકાસો, કારણ કે અલગ-અલગ બેચની કિંમતોમાં તફાવત હોઈ શકે છે.
ઘણીવાર એક જ કમ્પોઝિશન ધરાવતી જેનરિક અથવા અન્ય બ્રાન્ડની દવાઓ ખૂબ સસ્તા ભાવે મળતી હોય છે. પરંતુ ડોક્ટરની સલાહ વગર માત્ર સસ્તા ભાવ જોઈને દવા બદલવી સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
જો કોઈ મેડિકલ સ્ટોર પ્રિન્ટ MRP કરતાં વધુ પૈસા માંગે છે અથવા નિયત મર્યાદા કરતાં વધુ ભાવ વસૂલે છે, તો તમે તેની ઓનલાઈન ફરિયાદ કરી શકો છો.
ગ્રાહકો Pharma Sahi Daam અથવા Pharma Jan Samadhan પ્લેટફોર્મ પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ કરતી વખતે દવાનું નામ, ઉત્પાદકનું નામ, બેચ નંબર, છપાયેલી MRP, વસૂલેલી કિંમત અને ખરીદીનું બિલ તથા દવાના પેકિંગનો ફોટો અપલોડ કરવાનો રહેશે. જ્યાં સુધી ફરિયાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી બિલ અને પેકિંગ સાચવી રાખવું જરૂરી છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
