તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 16th May 2026
શું બજારમાં ખરેખર 'ઝેરી તરબૂચ' વેચાઈ રહ્યું છે? સોશિયલ મીડિયા પર ફેલાયેલા મોતના ખોટા ડર પાછળનું આઘાતજનક સત્ય આવી ગયું સામે!
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને યુપીથી લઈને મુંબઈ સુધીના 'તરબૂચ કાંડ'નું થયું સત્તાવાર પોસ્ટમોર્ટમ; ક્યાંક ઉંદર મારવાનું ઝેર નીકળ્યું તો ક્યાંક હાર્ટ એટેક, અફવાઓથી ખેડૂતો અને બજારો મુશ્કેલીમાં

ભોપાલ: ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ બજારોમાં શરીરને ઠંડક આપતા લાલચોળ અને રસદાર તરબૂચનું વેચાણ ધૂમ વધી ગયું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ડિજિટલ દુનિયા એટલે કે સોશિયલ મીડિયા અને 'વોટ્સએપ યુનિવર્સિટી' પર એક અત્યંત ભયાનક અને સનસનાટીભર્યો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશભરના અનેક રાજ્યોમાં કેમિકલયુક્ત “ઝેરી તરબૂચ” ખાવાથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. આ અફવા એટલી ઝડપથી ફેલાઈ કે બજારોમાંથી ખરીદદારો ગાયબ થઈ ગયા અને ગરીબ ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ ગયા. પરંતુ જ્યારે સરકારી એજન્સીઓ અને ફોરેન્સિક લેબોરેટરી (FSL) ના રિપોર્ટ સામે આવ્યા, ત્યારે આ કથિત 'ઝેરી તરબૂચ' પાછળનું સચ્ચાઈ કંઈક ઓર જ બહાર આવ્યું છે.
ચાલો દેશના જુદા-જુદા રાજ્યોમાંથી આવેલા આ ભયાનક કિસ્સાઓ અને તેની પાછળ છુપાયેલા અસલી સત્યનું વિગતવાર પોસ્ટમોર્ટમ કરીએ:
૧. મુંબઈનો હચમચાવનારો 'તરબૂચ કાંડ': અસલી વિલન તરબૂચ નહીં પણ ઉંદરનું ઝેર!
તાજેતરમાં મુંબઈના પાયધુની (જેજે માર્ગ) વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો (અબ્દુલ્લા દોકડિયા, તેમની પત્ની અને બે પુત્રીઓ) ના શંકાસ્પદ મોતે હડકંપ મચાવ્યો હતો. અફવા ફેલાઈ કે રાત્રે ચિકન બિરયાની ખાધા બાદ પરિવારે તરબૂચ ખાધું હતું જેનાથી ફૂડ પોઈઝનિંગ થયું.
અસલી સત્ય: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (FDA) અને ફોરેન્સિક ટીમે જ્યારે ઘરના તરબૂચની તપાસ કરી તો તે બિલકુલ શુદ્ધ નીકળ્યો. ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે મૃતકોના આંતરડામાંથી 'ઝીંક ફોસ્ફાઇડ' એટલે કે ઉંદર મારવાનું ઝેર મળી આવ્યું! આ કેસ તરબૂચનો નથી, પરંતુ આત્મહત્યા કે પૂર્વઆયોજિત હત્યાનો ગંભીર ફોજદારી ગુનો છે, જેની તપાસ હવે મુંબઈ પોલીસ કરી રહી છે.
૨. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ: બેદરકારી અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન
એમપીના શ્યોપુરમાં તરબૂચ ખાધા બાદ એક પિતાનું મોત થયું અને પુત્ર ગંભીર બીમાર થયો. તેવી જ રીતે છત્તીસગઢના જાંજગીર-ચંપામાં ૧૫ વર્ષના કિશોરનું મોત થયું.
અસલી સત્ય: મેડિકલ એક્સપર્ટ્સના મતે માત્ર તરબૂચ ખાવાથી તાત્કાલિક મોત સંભવ નથી. છત્તીસગઢના કેસમાં બહાર આવ્યું કે આ ફળનું ઝેર નથી, પરંતુ કાપેલા તરબૂચને લાંબા સમય સુધી ખુલ્લો કે દૂષિત જગ્યાએ રાખવાના કારણે તેમાં 'ઇ. કોલી' (E. coli) નામના ખતરનાક બેક્ટેરિયા પેદા થયા હતા. આ ગંભીર ફૂડ પોઈઝનિંગ ફળની અંદરના કેમિકલથી નહીં પણ સંગ્રહ કરવાની બેદરકારીથી થયું હતું.
૩. ઉત્તર પ્રદેશ: દીકરી હાર્ટ એટેકથી મરી અને બદનામ તરબૂચ થયું!
યુપીના બિજનોર જિલ્લાના શેર નગર નારાયણી ગામમાં ૨૧ વર્ષની યુવતી મુસ્કાનનું તરબૂચ ખાધા બાદ મોત થયાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
અસલી સત્ય: જ્યારે સ્થાનિક એસડીએમ (SDM) અને વહીવટી તંત્રએ તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું. મૃતક યુવતીના પિતા ઝિયા ઉલ હસને જાતે મીડિયા સમક્ષ આવીને આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે તેમની દીકરી લાંબા સમયથી ગંભીર બીમાર હતી અને તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે, તરબૂચ ખાવાથી નહીં. પિતાએ અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
તો શું તરબૂચ ખાવાનું બંધ કરી દેવું જોઈએ? નિષ્ણાતોની સલાહ:
આરોગ્ય વિભાગ અને ડોકટરોએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર વહેતા ૯૦% મેસેજ તદ્દન ખોટા અને સનસનાટી ફેલાવવા માટેના છે. તરબૂચ કુદરતનું અમૃત છે, તે પોતે ઝેરી નથી. જો કે, ઉનાળામાં ખાવાની બેદરકારીથી બચવા માટે આ ૩ વાતો કાયમ યાદ રાખો:
૧. કાપેલું તરબૂચ ક્યારેય ન ખરીદો: બજારમાં લાલ રંગ બતાવવા માટે જે તરબૂચ પહેલેથી કાપીને ખુલ્લા રખાય છે તેના પર બેક્ટેરિયા ઝડપથી હુમલો કરે છે.
૨. કાપતા પહેલા બરાબર ધોઈ લો: આખું તરબૂચ લાવીને તેને વહેતા પાણીમાં બરાબર સાફ કરો જેથી ઉપર છાંટેલી જંતુનાશક દવાઓ સાફ થઈ જાય.
૩. હંમેશા તાજું જ ખાઓ: તરબૂચને કાપ્યા બાદ તરત જ ખાઈ લેવું હિતાવહ છે. તેને કલાકો સુધી ફ્રિજમાં કે બહાર ખુલ્લું રાખવાથી તે બગડી શકે છે અને ફૂડ પોઈઝનિંગ કરી શકે છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
