News of Saturday, 28th November 2026
૫ વર્ષમાં અંદાજે ૯.૨૫ લાખ ભારતીયોએ છોડી નાગરિકતા
વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા ભારતીયોની સંખ્યામાં સતત વધારો : ભારતીયોને નાગરિકતા આપવામાં કેનેડા સૌથી આગળઃ ૫ વર્ષમાં ૨.૬૧ લાખ ભારતીયો કેનેડાના નાગરિક બન્યા

નવી દિલ્હીઃ તા.૨૮: વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરના એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન અંદાજે ૯.૨૫ લાખ ભારતીયોએ ભારતની નાગરિકતા છોડીને OECD સભ્ય દેશોની નાગરિકતા મેળવી છે. એટલું જ નહીં, અગાઉના પાંચ વર્ષની સરખામણીએ આ સંખ્યામાં લગભગ ૪૦ ટકાનો વધારો નોંધાયો છે.
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા ‘ઇન્ટરનેશનલ માઇગ્રેશન આઉટલુક ૨૦૨૬' રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન લગભગ ૯.૨૫ લાખ ભારતીય નાગરિકોએ OECDના સભ્ય દેશોની નાગરિકતા મેળવી છે. આ આંકડો ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન નોંધાયેલા આંકડા કરતાં આશરે ૪૦ ટકા વધુ છે.
OECDના સભ્ય દેશોની નાગરિકતા મેળવનારા લોકોના મૂળ દેશોની યાદીમાં ભારત પ્રથમ સ્થાને રહ્યું છે. આ મામલે ભારતે મેક્સિકો અને સીરિયા જેવા દેશોને પાછળ છોડી દીધા છે. આ સમયગાળા દરમિયાન મેક્સિકોના ૫,૯૦,૨૪૮ અને સીરિયાના ૫,૮૮,૨૧૯ નાગરિકોએ OECD સભ્ય દેશોની નાગરિકતા મેળવી હતી. બીજી તરફ, ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ૬,૫૪,૮૨૧ ભારતીયોએ વિદેશી નાગરિકતા મેળવી હતી, જે ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન વધીને લગભગ ૯.૨૫ લાખ થઈ ગઈ છે. રિપોર્ટમાં સીરિયાના નાગરિકોની સંખ્યામાં લગભગ પાંચ ગણો વધારો નોંધાયો છે, જ્યારે ચીનના નાગરિકોની સંખ્યામાં ૧૧.૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
OECDમાં કુલ ૩૮ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. તેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત યુરોપના અનેક દેશો સામેલ છે. ભારતીયોને નાગરિકતા આપવાના મામલે કેનેડા સૌથી આગળ રહ્યું છે. રિપોર્ટના દેશવાર આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૪માં કુલ ૨,૩૦,૩૩૭ ભારતીયોએ બ્ચ્ઘ્ઝ સભ્ય દેશોની નાગરિકતા મેળવી હતી. ૨૦૨૩માં આ આંકડો ૨,૨૪,૬૩૦ હતો. વર્ષ ૨૦૨૪માં કેનેડાએ સૌથી વધુ ૮૭,૩૨૦ ભારતીયોને નાગરિકતા આપી હતી. ત્યારબાદ અમેરિકા ૪૮,૮૨૦ અને ઓસ્ટ્રેલિયા ૨૮,૯૬૯ ભારતીયોને નાગરિકતા આપીને અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.
રિપોર્ટ મુજબ, ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન અંદાજે ૨.૬૧ લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા મેળવી છે. આ આંકડા દર્શાવે છે કે વિદેશી નાગરિકતા મેળવવાના મામલે કેનેડા ભારતીયો માટે સૌથી પસંદગીના દેશોમાં સામેલ છે. એક તરફ વિદેશમાં અભ્યાસ, નોકરી અને સ્થાયી થવાની તકો ભારતીયોને આકર્ષી રહી છે, તો બીજી તરફ દેશની નાગરિકતા છોડનારા લોકોની વધતી સંખ્યા ચર્ચાનો વિષય બની છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
