<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ભારતમાં એપલનો સાતમો સત્તાવાર રિટેલ સ્ટોર ૧૦ ડિસેમ્બરે હૈદરાબાદમાં ખુલશે: 'મોતીઓના શહેર'ની સંસ્કૃતિની થીમ પર તૈયાર થયો 'એપલ કુકટપલ્લી' સ્ટોર

કુકટપલ્લીના લેક શોર-વાય જંકશન મોલમાં ૧૦ ડિસેમ્બરે સાંજે ૫:૦૦ વાગ્યે ગ્રાહકો માટે દરવાજા ખુલશે : મેઘધનુષી રંગોમાં મોતીથી પ્રેરિત એપલ લોગોની બેરિકેડ ડિઝાઇન, ખાસ હૈદરાબાદી મ્યુઝિક પ્લેલિસ્ટ

નવી દિલ્હી :  ટેક જાયન્ટ એપલ ભારતીય બજારમાં પોતાની રિટેલ હાજરીનો સતત વિસ્તાર કરતા તેલંગાણાના હૈદરાબાદમાં પોતાનો પ્રથમ સત્તાવાર રિટેલ સ્ટોર શરૂ કરવા જઈ રહી છે. ગુરુવારે જારી કરાયેલી સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ, 'એપલ કુકટપલ્લી' નામનો આ નવો સ્ટોર આગામી ૧૦ ડિસેમ્બરે સાંજે ૫:૦૦ વાગ્યે ગ્રાહકો માટે તેના દરવાજા ખોલશે. હૈદરાબાદના કુકટપલ્લી સ્થિત લેક શોર-વાય જંકશન મોલમાં તૈયાર કરાયેલો આ આઉટલેટ તેલંગાણામાં કંપનીનો પ્રથમ ભૌતિક સ્ટોર અને સમગ્ર ભારતમાં સાતમો રિટેલ સ્ટોર બનશે, જેનાથી હૈદરાબાદ સત્તાવાર એપલ સ્ટોર ધરાવતું દેશનું છઠ્ઠું શહેર બનશે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં પહેલેથી જ એપલની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને રિટેલ કસ્ટમર કેર ટીમો કાર્યરત છે, ત્યારે હવે આ સીધા ગ્રાહક-લક્ષી સ્ટોરથી દક્ષિણ ભારતમાં કંપનીની પકડ વધુ મજબૂત બનશે.

સ્ટોરના ભવ્ય ઉદ્ઘાટન પૂર્વે એપલે તેની ખાસ બેરિકેડ ડિઝાઇન પણ જાહેર કરી છે, જે 'મોતીઓના શહેર' તરીકે જાણીતા હૈદરાબાદના ઐતિહાસિક વારસાને સમર્પિત છે. આ ડિઝાઇનમાં મેઘધનુષી (ઇરિડેસન્ટ) રંગોની પૃષ્ઠભૂમિ પર મોતીથી પ્રેરિત એપલનો આકર્ષક લોગો દર્શાવવામાં આવ્યો છે, જે મોતીના વેપાર સાથે હૈદરાબાદના સદીઓ જૂના જોડાણને પ્રતિબિંબિત કરે છે. આ ઉપરાંત, કંપનીએ ચાહકો માટે ખાસ 'એપલ કુકટપલ્લી' ડિજિટલ વોલપેપર્સ અને સ્ટીકરો ઉપલબ્ધ કરાવ્યા છે, તેમજ હૈદરાબાદની સ્થાનિક ધૂનો અને સંગીત સંસ્કૃતિથી પ્રેરિત એક વિશેષ એપલ મ્યુઝિક પ્લેલિસ્ટ પણ તૈયાર કર્યું છે.

આ નવા સ્ટોરમાં ગ્રાહકોને એપલના નવીનતમ ઉત્પાદનો જેમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max, iPhone Duo, PROLED XDR ડિસ્પ્લે અને ટચ ધરાવતું MacBook Pro, Apple Watch Series 12, Apple Watch Ultra 4, AirPods 5, HomeView અને HomePod mini 2 સામેલ છે. તેનો પ્રત્યક્ષ અનુભવ કરવાની અને ખરીદી કરવાની તક મળશે. તદુપરાંત, જીનિયસ  ટીમ દ્વારા નિષ્ણાત તકનીકી સહાય, બિઝનેસ ગ્રાહકો માટે સમર્પિત સેવાઓ અને દૈનિક ધોરણે ફોટોગ્રાફી, વિડિયો મેકિંગ તથા ડ્રોઇંગ શીખવતા મફત 'ટુડે એટ એપલ' વર્કશોપ્સનું પણ આયોજન થશે. અગાઉ મુંબઈ દિલ્હી-NCR (સાકેત અને નોઇડા), બેંગલુરુ (હેબ્બલ) અને પુણે (કોરેગાંવ પાર્ક) બાદ હવે હૈદરાબાદ જોડાતા ભારતમાં એપલનું રિટેલ નેટવર્ક વધુ વિસ્તર્યું છે.

(6:49 PM IST)