<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

તમાકુ અને દારૂ સિવાય પણ શરીરના આ ૫ છુપાયેલા વાયરસ અને બેક્ટેરિયા મચાવી શકે છે કેન્સર જેવો ઘાતક કહેર

વિશ્વભરમાં કેન્સરના દર આઠમાંથી એક કેસ માટે જવાબદાર છે સૂક્ષ્મ જીવાણુઓના ચેપ, લેન્સેટ ઓન્કોલોજીના નવા સંશોધને તબીબી જગતમાં જગાવી ચિંતા

નવી દિલ્હી : કેન્સર માત્ર તમાકુ, દારૂ કે ખરાબ જીવનશૈલીથી જ નથી થતું, પરંતુ શરીરમાં ફેલાતા કેટલાક નાના-મોટા વાયરસ અને બેક્ટેરિયા પણ આ જીવલેણ રોગનું મોટું કારણ બની શકે છે, જેનો ખુલાસો તાજેતરમાં "ધ લેન્સેટ ઓન્કોલોજી" જર્નલમાં પ્રકાશિત થયેલા એક ચોંકાવનારા અહેવાલમાં કરવામાં આવ્યો છે.

 

ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) ના તાજેતાતરના સંશોધન મુજબ, વૈશ્વિક સ્તરે કેન્સરના કુલ કેસોમાંથી દર આઠમો કેસ (લગભગ ૧૨ ટકા) ચેપને કારણે ઉદ્ભવે છે, અને એકલા વર્ષ ૨૦૨૪માં જ વિશ્વભરમાં ૨.૩ મિલિયન જેટલા નવા કેસ માત્ર ચેપી એજન્ટોના લીધે નોંધાયા છે.

 

વૈજ્ઞાનિકો દ્વારા તપાસવામાં આવેલા ૧૨ ચેપી એજન્ટો પૈકી ૫ એવા પ્રમુખ વાયરસ અને બેક્ટેરિયા છે જે સૌથી વધુ વિનાશ વેરી રહ્યા છે, જેમાં પેટના કેન્સર માટે જવાબદાર 'એચ. પાયલોરી' બેક્ટેરિયા, સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ બનતો 'એચપીવી' (HPV) વાયરસ, લીવર કેન્સર સાથે જોડાયેલા હેપેટાઇટિસ બી અને સી, તથા ગળા અને પેટના કેન્સરનું કારણ બનતો એપ્સટિન-બાર વાયરસ સામેલ છે.

 

જ્યારે શરીરમાં આ પ્રકારના ચેપ લાંબા સમય સુધી યથાવત રહે છે, ત્યારે તે સતત બળતરા (ક્રોનિક ઇન્ફ્લેમેશન) પેદા કરીને કોષોને નુકસાન પહોંચાડે છે અને ધીમે ધીમે તેમાં આનુવંશિક ફેરફાર કરીને કેન્સરના સેલ્સમાં પરિવર્તિત કરી દે છે, જે દર્દીના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થાય છે.

 

આ વૈશ્વિક સમસ્યા અંગે IARC ના વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ચેપ-સંબંધિત કેન્સરનો ૭૭ ટકા બોજ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર પડે છે, કારણ કે ત્યાં સમયસર પરીક્ષણ, રસીકરણ અને આધુનિક તબીબી સારવારની સુવિધાઓનો હજુ પણ વ્યાપક અભાવ જોવા મળે છે.

 

સદભાગ્યે યોગ્ય સમયસર રસીકરણ, એન્ટિવાયરલ દવાઓનો ઉપયોગ અને નિયમિત હેલ્થ સ્ક્રીનીંગ દ્વારા આ પ્રકારના જીવલેણ ચેપને અને તેનાથી થતા કેન્સરને મોટા પ્રમાણમાં અટકાવી શકાતા હોવાથી, આગામી સમયમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

(8:11 PM IST)