News of Thursday, 1st October 2026
અનુપ બાગચી એચડીએફસી બેંકના નવા એમડી અને સીઇઓ તરીકે નિયુક્ત, ૨૭ ઓક્ટોબરે સંભાળશે કાર્યભાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી મળ્યા બાદ અનુભવી બેંકર અનુપ બાગચી આગામી ત્રણ વર્ષ માટે દેશની અગ્રણી ખાનગી બેંકના સર્વોચ્ચ પદે સંભાળશે કમાન

મુંબઈ : દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાં ગણાતી એચડીએફસી બેંકના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અનુપ બાગચીની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી લીલીઝંડી મળ્યા બાદ આગામી ૨૭ ઓક્ટોબરથી તેઓ સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળશે અને ત્રણ વર્ષ સુધી બેંકનું નેતૃત્વ કરશે.
વર્તમાન એમડી અને સીઇઓ શશિધર જગદીશનનો કાર્યકાળ આગામી ૨૬ ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યો છે, જેના સ્થાને અનુપ બાગચી આ જવાબદારી સંભાળશે. ભારતીય બેંકિંગ નિયમો અનુસાર, નાણાકીય સંસ્થાઓએ નિયમનકાર સમક્ષ ટોચના પદ માટે ઓછામાં ઓછા બે સંભવિત ઉમેદવારોના નામની ભલામણ કરવાની હોય છે, જેના ભાગરૂપે બેંકે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરૂચા અને બહારના ઉમેદવાર તરીકે અનુપ બાગચીના નામ રજૂ કર્યા હતા.
નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવતા બાગચી બેંકિંગ, કેપિટલ માર્કેટ્સ, વેલ્થ મેનેજમેન્ટ અને વીમા ક્ષેત્રે ઊંડી કુશળતા ધરાવે છે. તેઓ ૧૯૯૨થી આઈસીઆઈસીઆઈ ગ્રુપ સાથે જોડાયેલા રહ્યા છે અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એમડી તથા સીઇઓ તેમજ આઈસીઆઈસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મહત્વની ભૂમિકાઓ ભજવી ચૂુક્યા છે.
આ નિમણૂક પૂર્વે તેઓ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સના એમડી અને સીઇઓ તરીકે સફળ સેવાઓ આપી રહ્યા હતા. બેંક દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, બાગચીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર (આઇઆઇએમ-બી)માંથી મેનેજમેન્ટની ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, કાનપુર (આઇઆઇટી-કે)માંથી એન્જિનિયરિંગની પદવી મેળવી છે.
આ ફેરફાર સાથે બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે કે બાગચીના આગમનથી બેંકની ડિજિટલ રણનીતિ અને સંપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે નવી ગતિ આવશે. રિઝર્વ બેંક દ્વારા આ નામ પર મહોર મારવામાં આવતા દેશના બેંકિંગ જગતમાં મોટા પરિવર્તનોના એંધાણ વર્તાઈ રહ્યા છે.
હવે આગામી ૨૭ ઓક્ટોબરે શશિધર જગદીશન પોતાના પદ પરથી નિવૃત્ત થશે અને અનુપ બાગચી વિધિવત રીતે કાર્યભાર સંભાળીને બેંકની આગામી વિકાસયાત્રાને આગળ વધારવાની દિશામાં કામ શરૂ કરશે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
