<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ચિલીમાં સરકારવિરોધી દેખાવો ઉગ્ર બન્યા : સેન્ટિયાગોમાં પોલીસ-પ્રદર્શનકારીઓ સામસામે, વોટર કેનનથી ભીડને વિખેરવાનો પ્રયાસ

‘મેડ્રિડ ફોરમ’ સામે રસ્તા પર ઉતરેલા વિરોધીઓ દ્વારા પોલીસ સાથે ઘર્ષણ : પથ્થરમારો-વસ્તુઓ ફેંકાતા રાજધાનીમાં તંગદિલી

સેન્ટિયાગો : ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં ‘મેડ્રિડ ફોરમ’ના કાર્યક્રમ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું.

ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં રાજકીય તણાવ વચ્ચે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે આવી ગયા હતા. ‘મેડ્રિડ ફોરમ’ સાથે જોડાયેલા કાર્યક્રમના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. કાર્યક્રમમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઇ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

વિરોધ દરમિયાન કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓએ પોલીસ તરફ વસ્તુઓ ફેંકી હતી. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સુરક્ષા દળોએ પાણીના જોરદાર મારો સહિત ભીડ નિયંત્રણના સાધનોનો ઉપયોગ કર્યો હતો. રસ્તાઓ પર અવરોધો ઊભા થતા વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.

ચિલીમાં રાજકીય ધ્રુવીકરણ વચ્ચે આ કાર્યક્રમને લઈને અગાઉથી જ વિરોધનો માહોલ હતો. પોલીસ દ્વારા મહત્વના સ્થળો આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. અથડામણ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે, જોકે સત્તાવાર રીતે ઈજાગ્રસ્તો કે ધરપકડની સંપૂર્ણ સંખ્યા તાત્કાલિક સ્પષ્ટ થઈ નહોતી.

ઘટનાક્રમ બાદ સેન્ટિયાગોના કેટલાક વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો હતો. તંત્રનું મુખ્ય ધ્યાન કાર્યક્રમસ્થળ, મુખ્ય માર્ગો અને જાહેર મિલકતોની સુરક્ષા ઉપર કેન્દ્રિત રહ્યું હતું.

(12:00 PM IST)