તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
બેંકિંગ સિસ્ટમ હેક કરી સેકન્ડોમાં ફંડ ચોરી શકે છે એન્થ્રોપિકનું નવું AI મોડેલ 'માયથોસ': કાયદા નિર્માતાઓના ડેમોમાં ચોંકાવનારો ખુલાસો, અમેરિકી સાંસદે કહ્યું- "આ અત્યંત ડરામણું છે!"
ક્લોઝ-ડોર પ્રદર્શનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે માત્ર ૩૦ સેકન્ડમાં નેતાના અપહરણની યોજના બનાવી અને સરકારી સિસ્ટમોમાં ઘૂસણખોરી કરી; કડક નિયમો લાવવા વોશિંગ્ટનમાં દોડધામ

વોશિંગ્ટન : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી વિશ્વને બદલી રહી છે, પરંતુ તેની ક્ષમતાઓ હવે સામાન્ય લોકોની સાથે સાથે વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ માટે પણ ફાળ આણનારી સાબિત થઈ રહી છે. પ્રખ્યાત AI ફર્મ એન્થ્રોપિક (Anthropic) દ્વારા તાજેતરમાં યુએસ કાયદા નિર્માતાઓ સમક્ષ તેના અત્યાર સુધીના સૌથી અદ્યતન અને ગુપ્ત મોડેલ 'માયથોસ' (Mythos) નું ખાનગી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બંધ બારણે યોજાયેલા ડેમોને જોયા બાદ અમેરિકી હોમલેન્ડ સિક્યુરિટી કમિટીના અધ્યક્ષ અને રિપબ્લિકન કોંગ્રેસમેન એન્ડ્રુ ગાર્બરિનોએ ભારે ચિંતા વ્યક્ત કરતા સ્વીકાર્યું છે કે આ ટેક્નોલોજી અતિશય ડરામણી અને ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે.
બેંકિંગ નબળાઈઓ શોધીને ખાતા ખાલી કરવાની ક્ષમતા
કોંગ્રેસમેન ગાર્બરિનોએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે ડેમો દરમિયાન એન્થ્રોપિકે માયથોસ મોડેલને બેંકિંગ સિસ્ટમ અને નાણાકીય સંસ્થાઓની વેબસાઇટ્સ તથા ઇન્ટ્રાનેટ નેટવર્કમાં રહેલી ખામીઓ (Vulnerabilities) શોધવા માટે કહ્યું હતું. AI મોડેલે પળવારમાં ન માત્ર તે નબળાઈઓ શોધી કાઢી, પરંતુ તેનો ઉપયોગ કરીને બેંક ખાતાઓમાંથી ભંડોળ કેવી રીતે ચોરી શકાય તે પણ દર્શાવ્યું હતું. જોકે, આ મોડેલ તે ખામીઓને ઠીક કરવાની સકારાત્મક ક્ષમતા પણ ધરાવે છે, પરંતુ જો તે ખોટા હાથોમાં જાય તો વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ ધ્વસ્ત થઈ શકે છે.
માત્ર ૩૦ સેકન્ડમાં અપહરણની યોજના અને ગેસ-પાણી પ્રણાલી પર ખતરો
'જેલબ્રેક' નો હેબત પમાડનારો લાઈવ ડેમો
પ્રદર્શન દરમિયાન એન્થ્રોપિકના અધિકારીઓએ માયથોસ મોડેલનું 'જેલબ્રેક' (Jailbreak) કરીને બતાવ્યું, જેમાં AI તેના માનવ વિકાસકર્તાઓ દ્વારા સેટ કરવામાં આવેલી સુરક્ષા મર્યાદાઓ (Guardrails) ને બાયપાસ કરી દે છે. સુરક્ષા કવચ તૂટતાંની સાથે જ આ મોડેલે માત્ર ૩૦ સેકન્ડની અંદર એક હાજર કાયદા નિર્માતાના અપહરણની સંપૂર્ણ અને સચોટ યોજના તૈયાર કરી આપી હતી.
ગાર્બરિનોએ ચેતવણી આપી હતી કે કોઈ પણ દૂષિત તત્વો કે સાયબર ગુનેગારો આ ટૂલની મદદથી દેશની મુખ્ય ગેસ પાઇપલાઇન બંધ કરી શકે છે અથવા જાહેર પાણી પુરવઠા પ્રણાલીમાં ક્લોરિનનું પ્રમાણ વધારીને લાખો લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે. આમાં ડરવાની વાત એ છે કે આ મોડેલ માત્ર રીત નથી શીખવતું, પરંતુ તમે કહો એટલે તે આપમેળે આ હુમલાઓ કરી પણ આપે છે.
સરકારી વર્ગીકૃત સિસ્ટમોમાં કલાકોમાં ઘૂસણખોરી
માયથોસ એટલું શક્તિશાળી છે કે યુએસ સેનેટની સુનાવણી દરમિયાન સેનેટર માર્ક વોર્નરે ચોંકાવનારો દાવો કર્યો હતો કે એન્થ્રોપિકના 'પ્રોજેક્ટ ગ્લાસવિંગ' હેઠળ જ્યારે આ મોડેલનું પરીક્ષણ કરાયું, ત્યારે તે અમેરિકાની લગભગ તમામ વર્ગીકૃત સરકારી સિસ્ટમો (Classified Government Systems) માં અઠવાડિયાના બદલે માત્ર થોડા કલાકોમાં જ ઘૂસી ગયું હતું. આ ભયજનક ક્ષમતાઓને કારણે જ વ્હાઇટ હાઉસે આ મોડેલને સામાન્ય જનતા માટે લોન્ચ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને વિદેશી નાગરિકો માટે તેની એક્સેસ મર્યાદિત કરવા નિર્દેશ આપ્યો છે.
નિયમન માટે આખરી પુકાર:
આ ભયાનક વાસ્તવિકતા સામે આવ્યા બાદ હવે વોશિંગ્ટનમાં AI ના કડક નિયમન માટે દબાણ વધી રહ્યું છે. કોંગ્રેસમેન ગાર્બરિનોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાયબર ધમકીઓ સામે લડવાના એક્સેક્યુટિવ ઓર્ડરને આવકાર્યો છે અને માંગ કરી છે કે આવા શક્તિશાળી AI પ્લેટફોર્મ માર્કેટમાં આવે તે પહેલાં સરકારી એજન્સીઓ દ્વારા તેની કડક તપાસ થવી જ જોઈએ. તેમણે નિખાલસતાથી સ્વીકાર્યું કે ટેક્નોલોજી એટલી ઝડપી છે કે ૯૫ ટકા સાંસદો હજુ પણ સમજી શકતા નથી કે કાયદાકીય રીતે આનો સામનો કેવી રીતે કરવો.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
