News of Sunday, 6th September 2026
પાક. ક્રિકેટમાં ફરી મોટો ધડાકો: ડ્રેસિંગ રૂમમાંથી ખેલાડીઓના ફોન ગાયબ! PCBના નિર્ણયથી ફિક્સિંગ ભૂત ધૂણ્યું
ઇંગ્લેન્ડ સામેની નિર્ણાયક ટેસ્ટ પહેલાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ પર સખત 'વોચ' દૂરસંચાર પર સંપૂર્ણ પ્રતિબંધ: ટેસ્ટ મેચ પૂરી થાય ત્યાં સુધી ખેલાડીઓ રહેશે 'નો નેટવર્ક ઝોન'માં લશ્કરી શિસ્ત કે ફિક્સિંગનું ગ્રહણ? બોર્ડના મૌનને કારણે અનેક તર્ક-વિતર્ક શરૂ

ઇસ્લામાબાદ: પાકિસ્તાન ક્રિકેટ અને વિવાદોનો ચોલી-દામનનો સાથ રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી વચ્ચે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક સખત નિર્ણયે ખળભળાટ મચાવી દીધો છે. મહત્વની ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ બોર્ડે ખેલાડીઓના અંગત મોબાઈલ ફોન જપ્ત કરી લેતા ક્રિકેટ વર્લ્ડમાં સન્નાટો વ્યાપી ગયો છે.
ફિક્સિંગની આશંકા કે ડ્રેસિંગ રૂમનું લીકેજ?
PCB દ્વારા આટલું આકરું પગલું ભરવામાં આવતા જ ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, શું પાકિસ્તાની ટીમ પર ફરી એકવાર 'મેચ ફિક્સિંગ' કે સટ્ટાબાજીનો સાયો મંડરાઈ રહ્યો છે? કે પછી ડ્રેસિંગ રૂમની ગુપ્ત માહિતી બહાર લીક થતી રોકવા માટે આ 'ઈમરજન્સી સ્ટેપ' લેવામાં આવ્યું છે? સામાન્ય રીતે મેચના દિવસે જ ફોન જમા થતા હોય છે, પરંતુ આ રીતે અગાઉથી જ ફોન કબ્જે લેવાની ઘટના પ્રથમ વખત બની છે.
કયા ખેલાડીઓ નિશાના પર? સસ્પેન્સ અકબંધ
બોર્ડે કયા કયા ખેલાડીઓના મોબાઈલ લીધા છે તેમની યાદી કે ઓળખ છતી કરી નથી, જેના કારણે આખી ટીમ શંકાના ઘેરામાં આવી ગઈ છે. ટીમ સત્રોના જણાવ્યા અનુસાર, મેચ પૂરી ન થાય ત્યાં સુધી આ ફોન PCBના કબ્જામાં જ રહેશે અને ખેલાડીઓ બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક કરી શકશે નહીં.
ICCનું મૌન અને PCBનો ભય
હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એન્ટી કરપ્શન ટીમે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ ભૂતકાળમાં પાકિસ્તાની ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં જેલ પણ જઈ ચૂક્યા હોવાથી, PCB કોઈ મોટો સ્કેન્ડલ બને તે પહેલાં જ સાવચેતીના ભાગરૂપે પગલાં ભરી રહ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. PCBનો આ નિર્ણય ક્રિકેટના મેદાન કરતાં વિવાદોના ગ્રાઉન્ડ પર વધુ ચર્ચામાં છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
