<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ક્વિક કોમર્સમાં વધુ એક મોટો ધડાકો: ઝોમેટો-સ્વિગી પછી હવે 'ઝેપ્ટો' લાવશે ₹૯.૫ હજાર કરોડનો મેગા IPO!

માત્ર ૧૦ મિનિટમાં ડિલિવરી કરતા સ્ટાર્ટઅપ ઝેપ્ટોએ શેરબજારમાં એન્ટ્રી માટે કમર કસી : આગામી જુલાઈમાં ઇશ્યૂ લોન્ચ કરીને $૧ બિલિયનનું તોતિંગ ફંડ એકત્ર કરવાનો છે માસ્ટર પ્લાન

મુંબઈ: ભારતીય શેરબજારમાં ક્વિક કોમર્સ અને ઓનલાઈન ડિલિવરી સેક્ટરના રોકાણકારો માટે વધુ એક ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. ફૂડ અને ગ્રોસરી ડિલિવરી જાયન્ટ ઝોમેટો અને સ્વિગીની સફળતા બાદ, હવે માત્ર ૧૦ મિનિટમાં સામાન પહોંચાડવા માટે જાણીતું પ્લેટફોર્મ 'ઝેપ્ટો' (Zepto) પણ પોતાનો આઈપીઓ (IPO) લાવવા માટે સજ્જ થઈ ગયું છે. આર્થિક જગતના અહેવાલો અનુસાર, કંપની આગામી જૂન મહિનામાં આ મેગા ઇશ્યૂ માટે સત્તાવાર દસ્તાવેજો ફાઇલ કરી શકે છે અને જુલાઈની શરૂઆતમાં તેને સામાન્ય રોકાણકારો માટે ખુલ્લો મૂકવાની યોજના ધરાવે છે. આ ઓફર દ્વારા કંપની બજારમાંથી આશરે $૧ બિલિયન એટલે કે અંદાજે ₹૯,૫૦૦ કરોડનું માતબર ભંડોળ એકત્ર કરવા જઈ રહી છે.

ઝેપ્ટોની આ આકર્ષક ઓફરમાં કંપનીના નવા શેર ઇશ્યૂ કરવાની સાથે-સાથે હાલના રોકાણકારો દ્વારા શેર્સનું ગૌણ વેચાણ (ઓફર ફોર સેલ) સામેલ હોવાની વિગતો છે. કંપની આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ દેશભરમાં પોતાના વેરહાઉસ નેટવર્કને મજબૂત કરવા અને બિઝનેસના આક્રમક વિસ્તરણ માટે કરશે. રોકાણકારોને આકર્ષવા માટે કંપની આવતા મહિનાના અંત સુધીમાં મોટા પાયે રોડ શો પણ શરૂ કરી શકે છે. એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના પ્રસ્તાવિત શેર વેચાણ બાદ આ વર્ષે ભારતીય બજારમાં $૧ બિલિયનના આંકડાને સ્પર્શનારો ઝેપ્ટોનો આ બીજો સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી ઈરાન યુદ્ધની વૈશ્વિક આર્થિક અસરો અને ભૌગોલિક તણાવને કારણે ભારતીય પ્રાઇમરી માર્કેટની ગતિ થોડી ધીમી પડી હતી, જેને આ મેગા આઈપીઓ ફરી એકવાર તેજીમાં લાવી દેશે તેવી આશા છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં સ્થાનિક કંપનીઓએ આઈપીઓ દ્વારા માત્ર $૩.૫ બિલિયન એકત્ર કર્યા છે, જે અગાઉના વર્ષો કરતા ઘણા ઓછા છે. ગત ઓક્ટોબરમાં યોજાયેલા ફંડિંગ રાઉન્ડમાં ઝેપ્ટોએ $૭ બિલિયન (અંદાજે ₹૫૮,૦૦૦ કરોડથી વધુ) નું જબરદસ્ત મૂલ્યાંકન મેળવ્યું હતું. હાલમાં તે માર્કેટમાં સ્વિગી, ઝોમેટો અને ટાટા ગ્રુપના બિગબાસ્કેટ જેવા દિગ્ગજો સાથે સીધી ટક્કર લઈ રહ્યું છે. આ મોટા આઈપીઓ માટે કંપનીએ મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સૅક્સ અને એક્સિસ કેપિટલ જેવી ટોચની વૈશ્વિક તેમજ સ્થાનિક નાણાકીય સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે.

(7:14 PM IST)