<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

કર્ણાટકના બેલગાવીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંતીય પ્રચારક બેઠકનો પ્રારંભ

સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેની ગરિમામય ઉપસ્થિતિમાં ૪૬ પ્રાંતોના પ્રચારકો વચ્ચે સંઘ શતાબ્દી વર્ષની યોજનાઓ અને શાખા વિસ્તરણ અંગે થશે ગહન ચર્ચા

બેલગાવી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંતીય પ્રચારક બેઠક આજે સવારે કર્ણાટકના બેલગાવી ખાતે વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. આ પ્રતિષ્ઠિત અને મહત્વની બેઠકમાં સંઘના સર્વોચ્ચ વડા એટલે કે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે ખાસ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત સંઘના તમામ સહ-સરકાર્યવાહ, અખિલ ભારતીય કાર્ય વિભાગના પ્રમુખો, સહ-પ્રમુખો, કારોબારી સભ્યો, ક્ષેત્ર પ્રચારકો, સહ-ક્ષેત્ર પ્રચારકો, પ્રાંતીય પ્રચારકો તેમજ દેશભરના તમામ ૪૬ પ્રાંતોના સહ-પ્રચારકો અને સંઘ પ્રેરિત વિવિધ વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ આ બેઠકમાં સક્રિયપણે ભાગ લઇ રહ્યા છે.

બેલગાવી ખાતે યોજાઈ રહેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં માર્ચ ૨૦૨૬ થી સંઘના વિવિધ સ્તરે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગોનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે અને તેના આધારે આગામી સમય માટે શાખા સ્તરે કાર્ય યોજનાના અમલીકરણ અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવશે. આ ઉપરાંત, સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં હાથ ધરવામાં આવેલા શાખા વિસ્તરણના કાર્યોની પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે અને ભવિષ્યની શાખા વિસ્તરણ યોજના પર વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવશે.

આ બેઠકના અન્ય મુખ્ય એજન્ડાની વાત કરીએ તો, સંઘ શતાબ્દી વર્ષના અત્યાર સુધી પૂર્ણ થયેલા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવશે અને બાકી રહેલા સુનિશ્ચિત કાર્યક્રમોનું સચોટ આયોજન ઘડવામાં આવશે. આ સાથે જ, વર્ષ ૨૦૨૬-૨૭ ના આગામી વર્ષ માટે આદરણીય સરસંઘચાલકની દેશભરના વિવિધ પ્રાંતોની યાત્રા અને તેની યોજના જેવા મહત્વના વિષયો પર ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, સંઘ શતાબ્દી વર્ષ (૨૦૨૫-૨૬) ના બાકી રહેલા વિવિધ કાર્યક્રમો આગામી વિજયાદશમી, એટલે કે ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી સતત ચાલુ રહેવાના હોઈ, તે અંગે પણ સંગઠનાત્મક સ્તરે આખરી ઓપ આપવામાં આવશે.

(7:12 PM IST)