<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના ગ્રીસમાં શાહી લગ્ન: સુપરસ્ટાર રજનીકાંત અને એમ.કે. સ્ટાલિન રવાના

૧૦-૧૧ નવેમ્બરે વિદેશની ધરતી પર યોજાનારા હાઈ-પ્રોફાઈલ લગ્ન સમારોહમાં હાજરી આપવા રજનીકાંત ફ્લાઇટમાં સ્ટાફ સાથે મુસ્કુરાતા કેમેરે કચકચાયા

ચેન્નાઈ: દક્ષિણ ભારતીય સિનેમાના મ્યુઝિક સેન્સેશન અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારન ૧૦ અને ૧૧ નવેમ્બરે ગ્રીસના મનોહર સ્થળે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. આ ગ્રાન્ડ વેડિંગમાં હાજરી આપવા માટે તમિલ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત પોતાની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાથે ગ્રીસ જવા રવાના થતાં ચેન્નાઈ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. આ હાઈ-પ્રોફાઈલ લગ્નને કારણે સમગ્ર મનોરંજન અને રાજકીય જગતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુપરસ્ટાર રજનીકાંતે ગ્રીસ જતી ફ્લાઇટની બિઝનેસ-ક્લાસ કેબિનમાં એરલાઇન સ્ટાફના સભ્યો સાથે હસતા મુખે પોઝ આપ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધ અને રજનીકાંત વચ્ચે ગાઢ કૌટુંબિક સંબંધ છે; રજનીકાંતના પત્ની લતા રજનીકાંત અને અનિરુદ્ધની માતા લક્ષ્મી રાઘવેન્દ્ર સગાં બહેનો હોવાથી અનિરુદ્ધ રવિચંદર રજનીકાંતના ભાણેજ થાય છે. અનિરુદ્ધે તાજેતરમાં રજનીકાંતની બહુચર્ચિત ફિલ્મ 'જેલર ૨' (Jailer 2) માં પણ સંગીત આપ્યું છે. બીજી તરફ, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ઉધયનિધિ સ્ટાલિન પણ ૯ નવેમ્બરની વહેલી સવારે એમિરેટ્સની ફ્લાઇટ દ્વારા દુબઈ થઈને ગ્રીસ જવા રવાના થયા છે, જેઓ ૧૩ નવેમ્બરે ચેન્નાઈ પરત ફરશે.

બીજી તરફ, આ શાહી લગ્ન અંગેની સત્તાવાર પુષ્ટિ તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી દ્વારા કરવામાં આવી છે. સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને કાવેરી મારને જ્યુબિલી હિલ્સ સ્થિત નિવાસસ્થાને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરીને લગ્ન રિસેપ્શનનું સત્તાવાર આમંત્રણ આપ્યું હતું, જેની તસવીરો મુખ્યમંત્રી કાર્યાલયના 'X' હેન્ડલ પર શેર કરવામાં આવી છે. આ આગામી ગ્રાન્ડ રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય, અભિનેતા અજિત કુમાર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સહિત દેશની અનેક અગ્રણી હસ્તીઓને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગ્રીસમાં યોજાનારા લગ્ન સમારોહ પૂરો થયા બાદ આગામી ૨૧ નવેમ્બરે ચેન્નાઈ ખાતે ભવ્ય રિસેપ્શન યોજવાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચેન્નાઈમાં યોજાનારા આ હાઈ-પ્રોફાઈલ રિસેપ્શનમાં દેશના વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપવાના હોવાથી સ્થાનિક પોલીસ અને સિક્યુરિટી એજન્સીઓ દ્વારા અભેદ સુરક્ષા વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે, જ્યારે સિનેમા અને રમતગમત જગતના દિગ્ગજો પણ આ ભવ્ય ઉજવણીના સાક્ષી બનશે

(3:51 PM IST)